કરજણ તાલુકાના એક ગામની સીમમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ અથવા દુષ્કર્મ ગુજારી કોઈ અજાણ્યા ઈસમે દુપટ્ટા વડે ગળું દબાવી કરપીણ હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાની દુષ્કર્મની કોશિશ અથવા દુષ્કર્મ આચરી કરપીણ હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી છે. કરજણ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના પાદરા તાલુકાના રણું ગામ ખાતે લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ અગમ્ય કારણોસર છેલ્લા બે વર્ષથી તેઓના પિતાના ઘરે એટલે પોતાના પિયરમા રહેતા હતા. પિયરમા રહી મહિલા ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
ગત તા. ૧૬ ઓગસ્ટના રોજ સાંજના સુમારે મહિલા પોતાના ઢોર ઢાખર માટે ઘાસચારો લેવા પોતાના ખેતર ગયા હતા. ઘાસચારો લેવા ગયેલી મહિલા પોતાના ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર થતા મહિલાની શોધખોળ આદરી હતી. પરિવારજનોએ શોધખોળ આદરતા મહિલા ખેતરમાંથી મૃત હાલતમા મળી આવતા પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી જવા પામી હતી. મહિલાના ગળે દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી દેવાઇ હોય તેવું જણાઈ આવ્યું હતું.
ઘટનાની જાણ કરજણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આરોપીને શોધી કાઢવા ડોગ સ્કવોડની પણ પોલીસે મદદ લીધી હતી. શંકાના આધારે પોલીસે ચાર ઈસમોની પૂછપરછ માટે અટકાયત કરી છે. તેમજ મહિલાના મૃતદેહને પી એમ અર્થે કરજણ સામુહિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પી.એમ રિપોર્ટ બાદ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે જાણવા મળશે. હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલાની થયેલી હત્યાએ સમગ્ર કરજણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વધુ તપાસ કરજણ પોલીસ ચલાવી રહી છે.
દરમિયાન પરિવારે કરજણ પોલીસ મથકમાં મહિલાની હત્યા અને તેના ઉપર દુષ્કર્મ થયું હોવાની શંકા સેવતી ફરિયાદ નોંધાવતા પોલીસે ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. વાળા, અને કરજણ પી.આઇ. એમ.એ. પટેલે પોતાના સ્ટાફ, ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. પોલીસે લાલ બહાદૂર ગીરજારામની કબુલાતના આધારે મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર દિલીપ શ્રીમુખલાલ ચૌધરી (મુનિમ) (રહે. લેધુકા, જિ. પલામુ, ઝારખંડ), જગ્ગુપ્રસાદ સુભાષચંદ પંડુ (રહે. જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.), પ્રમોદ રામચરણ પંડુ (રહે. જરહા, જિ. મિરજાપુર, યુ.પી.), રામસુરત સુભાષચંદ પંડુ (રહે., જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.) અને અર્જુન લાલચંડ પંડોર (રહે. બડાડુ, જિ. સોનભદ્ર, યુ.પી.) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
યાકુબ પટેલ, કરજણ