વડોદરા :વડોદરામાં ટોલ ટેક્સ બચાવવા માટે એક યુવકે કરેલો એક તુક્કો ભારે પડી ગયો હતો અવારનવાર કામને લીધે વિવિધ રાજ્યોમાં ફરતા રહતા હેમંત મર્ચન્ટે હાઈવે પર ટોલ ન ભરવો પડે તે માટે સીબીઆઈના સિનિયર અધિકારીનું ફેક આઈડી કાર્ડ બનાવી લીધું હતું. જોકે, હેમંત કલ્પના પણ નહોતી કરી કે તેની આ હરકતનું કેવું ગંભીર પરિણામ આવશે.
કમ્પ્યુટર સોફ્ટવરેર અને હાર્ડવેરનો જાણકાર હેમંત કમ્પ્યુટર રિપેરિંગનો ધંધો કરે છે. તે અગાઉ એક કંપનીમાં બે વર્ષ નોકરી પણ કરી ચૂક્યો છે. નોકરી દરમિયાન તે અવારનવાર વિવિધ રાજ્યોમાં જતો હતો. હાઈવે પર ટોલટેક્સ ભરવો ન પડે તે માટે હેમંતે સીબીઆઈનું નકલી આઈકાર્ડ બનાવી લીધું હતું. જોકે, હેમંતનો ભાંડો પોલીસે આખરે ફોડી નાખ્યો છે.
વડોદરા પોલીસ હેમંતના ઘરે અચાનક જ રવિવારે સાંજે પહોંચી હતી, અને તેને અકોટા સ્થિત તેના ઘરેથી જ પકડી લેવાયો હતો. પોલીસને ઘરે આવેલી જોઈને પહેલા તો હેમંત કંઈ સમજ્યો નહીં, પરંતુ આખું પિક્ચર ક્લિયર થતાં હેમંત પણ ભાંગી પડ્યો, અને પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે હેમંતે પોતાના બે દોસ્તોને પણ સીબીઆઈના નકલી આઈકાર્ડ બનાવી આપ્યા છે. હેમંતે નકલી આઈકાર્ડમાં પોતે સીબીઆઈનો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ હોવાનું દર્શાવ્યું હતું, અને ફોટોશોપની મદદથી તેના પર સરકારી લોગો અને સ્ટેમ્પ પણ લગાવી દીધા હતા.
હેમંતે આ નકલી આઈકાર્ડનો નાશ કરી દીધો હોવાથી પોલીસ તેને જપ્ત નથી કરી શકી. જોકે તેના કમ્પ્યુટરમાંથી પોલીસે સોફ્ટ કોપી ચોક્કસ શોધી કાઢી છે. તેણે પોતાના બે દોસ્તો કલ્પેશ પટેલ અને હિતેશ પટેલના પણ નકલી આઈકાર્ડ બનાવ્યા હતા, જેની સોફ્ટ કોપી પણ પોલીસને મળી છે. પોલીસે ઓલ્ડ પાદરા રોડ પર દવાની દુકાન ચલાવતા કલ્પેશ પટેલની ધરપકડ પણ કરી લીધી છે.
( સૌજન્ય : અકિલા )