દશામાના તહેવારને એક દિવસ બાકી છે, ત્યાં વડોદરાના નાગરિકો અવઢવમાં છે. રવિવારથી શરૂ થતાં દશામાના તહેવાર પૂર્વે પોલીસ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ ઘરમાં જ મૂર્તિનું સ્થાપન અને વિસર્જન કરવા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, તંત્ર દ્વારા વિસર્જનની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આવામાં વડોદરાના એક યુવકે શહેરીજનો માટે મદદનો હાથ લંબાવ્યો છે. આ યુવકે દશામાની મૂર્તિઓને એકઠી કરીને તેમનુ સોમનાથના દરિયામાં વિસર્જ કરશે.
તંત્ર દ્વારા દશામાની મૂર્તિના વિસર્જનની કોઈ સ્પષ્ટતા ન કરતા વડોદરાના યુવાન દ્વારા મૂર્તિ વિસર્જનની જવાબદારી ઉઠાવી છે. સ્વેજલ વ્યાસ દ્વારા વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. જેમાં દશામાની મૂર્તિના વિસર્જન માટે રજિસ્ટ્રેશન કરાવાશે. આ માટે સ્વૈજલ દ્વારા http://www.swejalvyas.com લિંક આપવામાં આવી છે, જેના પર લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. તારીખ 11 ઓગસ્ટ, 2021 સવારે 11 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે. રજિસ્ટર્ડ થયેલી તમામ મૂર્તિઓનું સોમનાથના દરિયામાં વિસર્જન કરાશે. આ મામલે સ્વેજલે કહ્યુ કે, ગણેશ ચતુર્થીના તહેરાવ માટે પણ આ જ પ્રકારે વ્યવસ્થા ગોઠવાશે. જેથી અનેક નાગરિકોની વિસર્જનની સમસ્યાઓ દૂર કરીશું.
હાલ સ્વૈજલ વ્યાસની ટીમ રિવોલ્યુશન દ્વારા દશામાં માતાજીની મૂર્તિનું વિસર્જન સોમનાથ કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવાઈ છે.
-દશામાં માતાની મૂર્તિનું દરિયામાં વિસર્જન માટે તારીખ 11/8/21 ના રોજ સવારે 11 કલાકે વેબસાઈટ www.swejalvyas.com પર રજિસ્ટ્રેશન ચાલુ થશે
-વડોદરાથી સોમનાથના દરિયામાં દશામાં માતાની મૂર્તિ વિસર્જનની તૈયારીના ભાગ રૂપે ટીમ રિવોલ્યુશન સોમનાથ જવા આજે રવાના થશે
-ટ્રક મારફતે માતાજીની મૂર્તિ સોમનાથ લઇ જવામાં આવશે. એક ટ્રકમાં 100 થી 150 મૂર્તિ આવશે
-મૂર્તિ વિસર્જન માટે સોમનાથના દરિયામાં મોટા જહાજ બુક કરવામાં આવશે
-સોમનાથ મંદિરની સામે દરિયામાં મૂર્તિ વિસર્જન થશે
-હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિ વડોદરાથી સોમનાથ લઇ જવામાં આવશે
આ વિશે સ્વૈજલ વ્યાસ કહે છે કે, અગાઉ અમારા હરિનગર પાંચ રસ્તા યુવક મંડળના ગણેશજીનું વર્ષ 2010, 2011, 2012 માં વડોદરાથી મૂર્તિ લઇ જઈ સોમનાથના દરિયામાં વિસર્જન કરવામાં આવતું હતું. મૂર્તિ વિસર્જનનો સામાન્ય ખર્ચ ટ્રાન્સ્પોટેશન માટે માઇ ભક્તો પાસેથી લેવામાં આવશે. જે ફક્ત ટ્રકના ભાડા માટે વપરાશે. ગણેશ ચતુર્થીમાં પણ આ જ પ્રકારનું આયોજન કરી ગણપતિ દાદાની મૂર્તિ સોમનાથ લઇ જવામાં આવશે.