યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો દિવ્ય વિગ્રહ રવિવારે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. અંતિમ સંસ્કારની વિધિ પૂરી થયા બાદ અનુપમ મિશનના અધ્યક્ષ જશભાઈ સાહેબજી દ્વારા પ્રેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વ હેઠળ યોગી ડિવાઈન સોસાયટીની જવાબદારી નિભાવવા માટે પ્રબોધજીવન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, સંત વલ્લભ સ્વામી, સેક્રેટરી અશોકભાઈ પટેલ અને વિઠ્ઠલદાસ પટેલની કમિટીની રચના કરવામાં આવી હોવાની પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી.જાહેરાત બાદ હરિભક્તોએ તાળીઓ પાડીને આ નિર્ણયને વધાવી જયઘોષ કર્યો હતો. ઉલ્લેખનિય છે, હરિપ્રસાદ સ્વામીજીની અંતિમ સંસ્કાર વિધિના દેશ-વિદેશના લાખો હરિભક્તોએ ઓનલાઈન દર્શન કર્યાં હતાં. જ્યારે અંત્યેષ્ઠી સ્થળ પર 5 હજાર ભક્તોએ સ્વામીજીના પાલખી પ્રદક્ષિણા દર્શન બાદ હાથમાં દીવડાં લઇ આરતી ઉતારી તેમના અંતિમ સંસ્કાર વિધિના પણ દર્શન કર્યા હતા.
વડીલ સંતોના જણાવ્યા અનુસાર, બપોરે 12 વાગ્યાથી સંતો અને રાજકોટના શાસ્ત્રી સહિત 5 પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે સ્વામીજીના નશ્વર દેહને 7 નદીઓના તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક કરાયો હતો. બપોરે 1:58 વાગે પાલખીમાં હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને પધારાવાયો હતો. પાલખીના રથને 10 જેટલા સંતો ખેંચી રહ્યા હતા. પાલખી યાત્રા શરૂ થતાં જ તેની ઉપર ફૂલ વર્ષા કરાઈ હતી અને મંદિર પરીસરમાં બેઠેલા 5 હજાર ભક્તો અને સંતો દ્વારા સ્વામીનારાયણ ભગવાનની ધૂન અને જયજયકાર કર્યો હતો.
પાલખીને મંદિરની બે વખત પ્રદક્ષિણા ફેરવવામાં આવી હતી. 2:30 વાગે પાલખીને અંત્યેષ્ઠી સ્થળની સામે બનાવેલી જગ્યા પર મુકાઈ હતી. જ્યાં સંતો, મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ અને દેશ-વિદેશના ભક્તો તરફથી સુખડ અને ફૂલોની માળા અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો સહિત 5 હજાર ભક્તોએ હાથમાં દીવડા પકડી સ્વામીજીની આરતી ઉતારી હતી. આરતી બાદ 3:25 કલાકે સ્વામીજીના દિવ્યવિગ્રહને ચંદનની કાષ્ટશૈયા પર પધરાવાયા બાદ સંતોએ મુખાગ્નિ અાપ્યો હતો.
દરમિયાન માહોલ શોકમગ્ન થયો હતો. મંદિરની બહાર ડોમમાં 2 હજાર જેટલા હરિભક્તોએ એલઇડી સ્ક્રીન પર અંતિમ વિધિ જોઈ હતી. પ્રેમસ્વરૂપ સ્વામીજીએ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અનુવૃત્તિ પ્રમાણે સુહૃદભાવ રાખીને આગળ વધવા દેશ-વિદેશના ભક્તોને અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીએ જીવનલીલા છોડવાના આગલા દિવસે અંતેવાસી સેવકોને ‘હું સૌની સાથે જ રહેવાનો છું’ એવા કૃપાવચન કહ્યાં હતાં. સ્વામીજી તેમના સંબંધવાળા સહુ સંતોમુક્તોમાં રહીને દર્શન આપશે અને આપણાં સહુની પ્રભુ તરફની યાત્રાને વેગીલી બનાવશે તેમ જણાવ્યું હતું.