વડોદરા શહેરમાં અભ્યાસ બાબતે માતાએ આપલો ઠપકો સહન ન થતાં કોલેજીયન પુત્રએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેને પગલે ધામેચા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે અને આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી જગન્નાથપુરી હાઉસિંગ સોસાયટીમાં રહેતો 15 વર્ષિય નિસર્ગ ગૌતમભાઇ ધામેચા આણંદ ખાતે આવેલી બી.એન.બી. કોલેજમાં ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
પુત્ર નિસર્ગ ભણવામાં ધ્યાન આપતો ન હતો. જેથી તેની માતા અવારનવાર તેને ટોકતી હતી અને ભણવામાં ધ્યાન રાખવા માટેનો જણાવતી હતી. વારંવાર અભ્યાસ માટે મળતા ઠપકાથી યુવાન કંટાળી ગયો હતો. ગુરૂવારે ફરી એકવાર માતાએ પુત્ર નિસર્ગને ઉગ્ર શબ્દોમાં અભ્યાસમાં ધ્યાન રાખવાનું કહેતા માતાના ઠપકાથી આવેશમાં આવી ગયેલા નિસર્ગે મોડી રાત્રે રસોડામાં જઈને પંખાના હૂક સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પુત્રને રસોડામાં ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેના માતા-પિતા અને બહેન સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારનું હૈયાફાટ રૂદન સાભળી પડોશીઓ દોડી આવ્યા હતા. તેઓ પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઇ ગયા હતા. આપઘાતના બનાવની જાણ કરવામાં આવતા લક્ષ્મીપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. 15 દિવસ પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો-10 અને ધો-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના દિવસે જ ધો-10ના રિપીટર વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થી પુનઃ પરીક્ષા આપશે તો પણ નાપાસ થશે તેવા ડરથી ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.