દુષ્કર્મનો ભોગ બનેલી વડોદરા નજીક વાઘોડિયા તાલુકાના લીમડા ગામ પાસે આવેલ પારૂલ યુનિવર્સીટના પૂર્વ આસિસન્ટન્ટ પ્રોફેસર અને હાલમાં પારૂલ યુનિવર્સિટી માં જ પી.એચ.ડી.નો અભ્યાસ કરતી તબીબ યુવતીએ પારૂલ યુનિવર્સીટીના નાયબ કુલ સચિવ ડો. અજીત ગંગવાણે સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, નાયબ કુલ સચિવે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું નામ પ્રસિધ્ધ ન કરવા માટે સુપ્રિમ કોર્ટનો આદેશ હોવા છતાં, બદનામી થાય તે રીતેનું લખાણ લખ્યું છે. પોલીસે તબીબ યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
વડોદરામાં રહેતા અને હાલમાં વાઘોડિયા તાલુકાના લીમડા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં પી.એચ.ડી.નો અભ્યાસ કરતા તબીબ સ્ટુડન્ટે વાઘોડીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2019-2020 દરમિયાન આસિસન્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. અને વર્ષ-2019 થી પારૂલ યુનિવર્સિટીમાં પી.એચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. તા.8-1-2021 ના રોજ નવજ્યોતકુમાર શાંતિલાલ ત્રિવેદી (રહે. 1, રાજ મંદિર સિનેમા પાસે, પાલનપુર હાઇવે, ડીસા. જિ. બનાસકાંઠા) સામે વાઘોડિયા પોલીસ મથકમાં દુષ્કર્મ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તા.9-1-2021 ના રોજ વાઘોડિયા પોલીસ દ્વારા ફરિયાદના અનુસંધાનમાં મેડિકલ ચેકઅપ કરવું જરૂરી હોવાથી સયાજી હોસ્પિટલમાં ગયા હતા. તે સમયે સોશિયલ મિડીયા ઉપર પારૂલ યુનિવર્સિટીના લેટર પેડ ઉપર પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ ડો. અજીત ગંગવાણે (રહે. પારૂલ યુનિવર્સિટી, લીમડા, વાઘોડિયા)ના નામથી એક પત્ર જાહેર થયો હતો.
આ પત્ર સોશિયલ મિડીયાના વોટ્સએપ ઉપર અમારા મોબાઇલ ફોન મળ્યો હતો. જેમાં આઇ.પી.સી. કલમ 376 સાથે મારું નામ જાહેર કરવામાં આવ્યું હતું. અમો પિડીત હોઇ, અમારું નામ જાહેર કરવા માટે આ પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો. અને પત્ર સ્થાનિક મિડીયામાં પ્રસિધ્ધ થાય તે હેતુથી વાયરલ કર્યો હતો.
પી.એચ.ડી. સ્ટુડન્ટે ફરિયાદમાં વધુમાં એમ પણ જણાવ્યું છે કે, પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ ડો. અજીત ગંગવાણે દ્વારા અમો દુષ્કર્મ પિડીતાની સમાજમાં બદનામી થાય તે રીતે પત્ર વાયરલ કરવામાં આવ્યો હોવાથી અમારે જીવવું મુશ્કેલ બન્યું છે. અમારી સમાજમાં, મિત્રો તેમજ સંબધીઓમાં બદનામી થઇ છે. આથી અમારી બદનામી કરનાર પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ ડો. અજીત ગંગવાણે વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
વાઘોડિયા પોલીસે અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલા પારૂલ યુનિવર્સિટીના પૂર્વ આસિસન્ટન્ટ પ્રોફેસર અને વર્તમાન પારૂલ યુનિવર્સિટીના પી.એચ.ડી. સ્ટુડન્ટની ફરિયાદના આધારે પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ ડો. અજીત ગંગવાણે સામે આઇ.પી.સી. 228 -A(1)સહિત અન્ય કલમો સાથે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ વાઘોડિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એ.એન. પ્રજાપતિ કરી રહ્યા છે.