વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટીમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક બિલ્ડિંગ પર 500 વિદ્યાર્થીઓને બોલાવવાનું આયોજન કરાયું છે. એસવાય-ટીવાયના 9 હજાર વિદ્યાર્થીઓનો અઠવાડિયામાં 1 દિવસ ઓફલાઇન અભ્યાસ માટે વારો આવશે. જ્યારે અન્ય 5 દિવસ ઓનલાઇન જ ભણવું પડશે. જોકે, જે વિદ્યાર્થીએ વેક્સિન લીધી હશે તેને જ એન્ટ્રી આપવામાં આવશે. 474 દિવસ બાદ કોમર્સના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઓફલાઇન શરૂ થયું છે. જેનાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા છે.
ફેબ્રુઆરીમાં એમકોમમાં ઓફલાઇન શિક્ષણ થોડા સમય માટે શરૂ કરાયું હતું. જોકે, વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા તથા પરીક્ષા આવી જતાં ઓફલાઇન શિક્ષણ બંધ થયું હતું. કોરોનાના બીજા વેવના પગલે ફરી સમગ્ર અભ્યાસ ઓનલાઇન પર ફોકસ થઇ ગયો હતો. કોરોના કેસો ઘટવાના કારણે રાજ્ય સરકારે 15 જુલાઇથી કોલેજ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી સત્તાધીશોની કોઇ તૈયારી ન હોવાના કારણે 15 જુલાઇથી ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ શક્યું નહોતું.
જોકે, હવે યુનિવર્સિટી ની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. જે વિદ્યાર્થીઓ સંમતિપત્રક લઇને આવ્યા હતા તથા વેક્સિન લીધી હતી, તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ અને ગર્લ્સ કોલેજ ખાતે ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. એસવાય અને ટીવાય બીકોમના વર્ગો શરૂ થયા છે.
યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા ગોઠવી છે જેમાં ટીવાય બીકોમનો સમય સવારે 7.30 થી 10.30 વાગ્યા સુધી (વિદ્યાર્થીઓની સંખ્યા-4000) એસવાય બીકોમનો સમય સવારે 11 થી 1 વાગ્યા સુધી (વિદ્યાર્થીઓની સંખ્યા-5000) મેઇન બિલ્ડિંગ અને યુનિટ બિલ્ડિંગમાં 14 ક્લાસ રૂમ, 100 ની કેપેસિટી, 50 વિદ્યાર્થીઓને બેસાડાશે.
ગર્લ્સ કોલેજમાં 9 ક્લાસ રૂમ, 100ની કેપેસિટી, 50 વિદ્યાર્થીઓને બેસાડાશે. રોજ 500 ને રોલ નંબર પ્રમાણે બોલાવાશે. ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ ચાલુ રખાશે. વાલીઓના સંમતિપત્રકો અને વેક્સિન સર્ટિફિકેટ વગર વિદ્યાર્થીને પ્રવેશ અપાશે નહીં. દરેક બિલ્ડિંગની કેપેસિટી 1 હજારની છે, જોકે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલે 500ને જ બોલાવાશે. ટીવાય બીકોમના વર્ગો પૂરા થયા પછી ક્લાસરૂમ સેનેટાઇઝ કરીને એસવાયના વર્ગો શરૂ કરાશે.
ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન પછી સતત ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેના પગલે એફવાય બીકોમમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓનું સમગ્ર વર્ષ ઓનલાઇન શિક્ષણમાં જ પસાર થયું હતું. હવે બીજા વર્ષમાં પ્રવેશ લીધો છે. આ વિદ્યાર્થીઓ આજથી શરૂ થતા ઓફલાઇન વર્ગો માટે હાજર રહ્યા છે. સાયન્સ ફેકલ્ટીમાં ટીવાય અને એમએસસીના વર્ગો શરૂ કરાયા છે. આજે અંદાજે 800 વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે બોલાવાયા છે.