વડોદરામાં મોંઘવારીના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે જનચેતના અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ગૃહ ખાતેથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પેટ્રોલ- ડીઝલ, ગેસ બોટલ, દૂધ અને તેલના અસહ્ય ભાવ વધારાના બેનરો, પોસ્ટરો સાથે સાઇકલ રેલી નીકળે તે પહેલાં જ પોલીસે અટકાવી દીધી હતી. સાઇકલ રેલીમાં જોડાયેલા કાર્યકરો સાથે ઉંટ ગાડીએ આગવું આકર્ષણ જમાવ્યું હતું. જોકે, કોંગ્રેસ દ્વારા આયોજીત સાઇકલ રેલી નીકળે તે પહેલાં જ પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. સાઇકલ રેલી નીકળે તે પહેલાં જ પોલીસ તંત્ર દ્વારા અટકાયત શરૂ કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર કરતા ઉત્તેજના વ્યાપી ગઇ હતી. પેટ્રોલ-ડિઝલના ભાવો આસમાને પહોંચતા તમામ જીવન જરૂરી ચિજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસ દ્વારા જન ચેતના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે મોંઘવારી સામે આંદોલન કરી રહ્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સાથે આઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાઇકલ રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા અમી રાવત, કાઉન્સીલરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબહેન વાઘેલા, જહા દેસાઇ, ઉપરાંત કોંગ્રેસ કાર્યકરો ચિરાગ ઝવેરી, અમીત ગોટીકર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો મોંઘવારી વિરોધી અને સરકાર વિરોધી પોષ્ટરો, બેનરો સાથે પોતાની સાઇકલો લઇને રેલીના નિર્ધારીત સમયે સાઇકલ રેલીમાં ભાગ લેવા માટે ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચી ગયા હતા. મોંઘવારીનો માર..પ્રજા બેહાલ…બે ફીકર છે સરકાર, મોંઘવારીનો માર…ભાજપા મસ્ત…પ્રજા ત્રસ્ત….જેવા સુત્રોચ્ચાર લખેલા પોષ્ટરો સાથે સાઇકલ રેલીમાં કાર્યકરો ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચ્યા બાદ સરકાર વિરોધી દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા.
તે બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં સાઇકલ રેલીની શરૂઆત કરી હતી. જોકે, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમના પગલે પોલીસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોઇ, પોલીસે સાઇકલ રેલી કાઢવા દીધી ન હતી. અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, ચંદ્રકાંત વાસ્તવ સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.