વડોદરા જિલ્લાના કરજણ નગરમાં આવેલી ગુરુકૃપા સોસાયટી પાછળ નગરપાલિકા ટી પી સ્કીમમાં થયેલા ગેરકાયદેસર કાચા પાકા દબાણો નગરપાલિકા દ્વારા દુર કરવામાં આવ્યા હતા. સવારે ૧૦.૩૦ ના સુમારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. દબાણો દુર કરતી વખતે દબાણદાર તેમજ પાલિકા અધિકારી સાથે ચકમક ઝરી હતી. મનુભાઈ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતુ કે જે જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તે જગ્યાએ વૃક્ષો રોપી અમે નરેન્દ્ર મોદીએ સૂચવેલા વૃક્ષો વાવો અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. પાલિકા દ્વારા હરિયાળા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા.
જ્યારે પાલિકા ચીફ એન્જીનીયર વિક્રમ સિંહ રાણાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણો થયા હતા. જ્યાં દબાણો કરવામાં આવ્યા છે એ જગ્યા ટી પી સ્કીમમાં આવતી હોવાથી દબાણો દૂર કર્યા છે. દબાણના સ્થળે કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર સિંહ સોલંકી સહિત મહિલા પોલીસ કર્મીઓ તેમજ પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો. એકંદરે દબાણ દુર કરવાની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
યાકુબ પટેલ, કરજણ