ચોમાસામાં વરસતો વરસાદ જાણે પાલિકાએ કરેલી નબળી કામગીરીનું નિરીક્ષણ કરવા આવતો હોય અને તેની પોલ ખોલતો હોય તેમ લાગી રહ્યું છે. થોડોક વરસાદ પડે ને તરત ઠેરઠેર ભુવા પડવા, રસ્તા ધોવાઈ જવાની અનેક ફરિયાદો સામે આવતી હોય છે. જેની પાછળ મુખ્ય જવાબદાર કારણ પાલિકાની નબળી કામગીરી છે. વડોદરા શહેરમાં ચોમાસુ આવતાની સાથે જ રસ્તા પર ભુવા પડવા સહિતની અનેક ફરિયાદો ઉઠી છે. આવામાં હાલમાં જ પાલિકાની હદમાં સમાવિષ્ટ ભાયલી ગામનો એક રોડ ચર્ચાનો વિષય બન્યો છે. ભાયલીથી પાદરા બાયપાસને જોડતો મુખ્ય માર્ગ ટ્રાફિકના કારણે સતત ધમધમતો રહે છે.
અહીંયા મુખ્ય માર્ગ પર સ્વામીનારાયણ મંદિર આવેલું હોવાથી દર્શનાર્થીઓની પણ સતત અવરજવર ચાલુ હોય છે. તેવામાં આ મુખ્ય માર્ગ ધોવાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.આ મુખ્ય માર્ગ ચર્ચામાં હોવાનું કારણ વરસાદના કારણે બનેલી તેની અવદશા છે. રસ્તા પર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે, તેવામાં હલકી કક્ષાની કામગીરીના કારણે અહીંયા આડા સ્પીડ બ્રેકર જેવી ખાસ ડિઝાઇન તૈયાર થઈ છે.
જે રાહદારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સહિત અકસ્માતનું કારણ બની છે.અડધો માર્ગ ધોવાઈ જવાના કારણે ઉભા સ્પીડ બ્રેકરનું નિર્માણ થયું છે અને આ સ્પીડ બ્રેકર આશરે દસ ફુટ લાંબો છે. જેના કારણે વાહનચાલકો પોતાના જીવન જોખમે અહીંયાંથી પસાર પસાર થવા મજબૂર બન્યા છે.પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના રોડ રસ્તાઓનું સમારકામ કરવું પણ જરૂરી છે.
ત્યારે પાલિકા દ્વારા તેમજ વોર્ડ 10 ના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આ વિસ્તારની સતત અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે અહીંના નાગરિકો પારાવાર મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. રોડ પર બનેલા આ ઉભા સ્પીડ બ્રેકર સમગ્ર રાજ્યના પ્રથમ ઉભા સ્પીડ બ્રેકર બની ઉભરી આવે એ પેહલા તેનું સમારકામ કરવું અનિવાર્ય બન્યું છે. હાલ આ માર્ગની ડિઝાઇન રાહદારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે વહીવટી તંત્ર નાગરિકોની આ વિકટ સમસ્યાથી આકર્ષાઈને તેનું નિરાકરણ લાવશે કે કેમ એ પ્રશ્ન સ્થાનિક નાગરિકોમાં ઉઠી રહ્યો છે.