આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્યાએ નીકળ્યા હતા. સવારે 9 કલાકે સ્ટેશન ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને 5.5 કિમીની રથયાત્રા નિર્ધારિત સમય પહેલા જ 10ઃ45 વાગ્યે રથયાત્રા પૂર્ણ થઇ હતી. પરંપરા મુજબ મેયર કેયુર રોકડિયાએ સોનેરી ઝાડુથી પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યો હતો.
પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે ખુલ્લા માર્ગો પર ભગવાન જગન્નાથ સામેથી દર્શન આપવા માટે નીકળ્યા હોવા છતાં કોરોનાના કારણે શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહ્યા હતા. રથયાત્રા રૂટ સિવાયના તમામ માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ નોકરી-ધંધાર્થે નીકળનાર લોકો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. પોલીસ જવાનોને પણ વર્ષો બાદ ભગવાનના દર્શનનો લ્હાવો મળ્યો હતો.જોકે, રથયાત્રાના રૂટ પર આવેલી પોળોના લોકોએ ભગવાનના દર્શન કર્યાં હતા.
રેલવે સ્ટેશન ખાતેથી નીકળેલી રથયાત્રામાં હરે કૃષ્ણ હરે રામા અને જય જગન્નાથના નાદ સાથે નીકળેલી રથયાત્રાએ ભક્તિમય વાતાવરણ સર્જી દીધુ હતું.દર વર્ષે ભગવાનનો રથ ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે, પરંતુ આ વર્ષે મંદિરના સાધુ સંતો, પોલીસ જવાનો અને નક્કી કરેલા શ્રદ્ધાળુઓ દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ રથ ખેંચ્યો હતો. રથયાત્રા દરમિયાન નગરજનો રથયાત્રાના રૂટ પર આવી ન જાય તે માટે સમગ્ર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા પ્રવેશબંધી કરતા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા.
મુખ્યમાર્ગોની પોળો પણ બેરીકેટ લગાવીને સીલ કરી દેવામાં આવી હતી. આજે અષાઢી બીજના દિવસે આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા રેલવે સ્ટેશન નજીક હિરકબાગ પાસેથી સવારે 9 વાગ્યે નીકળી હતી અને એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન મંદિર, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, અમદાવાદી પોળ, ગાંધીનગર ગૃહ, પ્રતાપ સિનેમા, સુરસાગર તળાવ, લાલકોર્ટ, વીર ભગતસિંહ ચોક, મદનઝાપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા, બગીખાના ચાર રસ્તા થઇને બરોડા હાઇસ્કૂલ ખાતે પૂર્ણ થઇ હતી.