વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંબાવ ગામમાં છૂટાછેડા લીધા બાદ મહિલાના બીજી જગ્યાએ લગ્ન નક્કી થઇ જતા પૂર્વ પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જેને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી હતી. પાદરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંબાવ ગામ ગામમાં રહેતા અને હેર સલૂનની દુકાન ધરાવતા 27 વર્ષીય ભાવેશ મનહરભાઇ નાઇના 6 વર્ષ પહેલા જ્ઞાતિની જ યુવતી સાથે થયા હતા.
નાઇ દંપતીને 5 વર્ષનો પુત્ર હતો. બંને વચ્ચે કોઇ કારણસર અણબનાવ બનતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો અને સમાજના વડીલો તેમજ બંને પરિવારના વડીલો વચ્ચે સમાધાનનો કોઇ અવકાશ ન જણાતા ભાવેશ અને તેની પત્નીના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ પત્ની તેના 5 વર્ષના પુત્રને લઇને પિયર જતી રહી હતી, ત્યારબાદ પૂર્વ પત્નીનું અન્ય સ્થળે બીજા લગ્ન ગોઠવાઇ ગયા હતા. જે અંગેની જાણ પૂર્વ પતિ ભાવેશને થતાં તેઓ માનસિક ડિપ્રેશનમાં આવી ગયા હતા જેના કારણે ભાવેશે આવેશમાં આવીને ઝેરી દવા ગટગટાવી ગયો હતો, જેથી તેની તબિયત લથડતા અર્ધ બેભાન જેવી હાલતમાં સારવાર અર્થે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બનાવની જાણ પરિવાર તથા સગા સંબંધીઓને થતા તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવેશ અને તેનો ભાઇ પાદરા ખાતે હેર સલૂન ચલાવતા હતા, જ્યારે તેમના પિતા પણ પાદરા તાલુકાના અંબાવ ગામે હેર સલૂનની દુકાન ચલાવતા હતા. આ બનાવની જાણ થતાં પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.