કરજણ તાલુકાના મિયાગામ સ્થિત સુમેરુ નવકાર તિર્થ ખાતે આમ આદમી પાર્ટીની એક મીટીંગ યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટીના મધ્ય ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અર્જુન સિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગના પ્રાંરભે ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા અર્જુનસિંહ રાઠવાએ તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે લાંબા સમયથી મત આપીએ છીએ, ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ગુજરાતમાં ૬,૦૦૦ શાળાઓ બંધ કરી દેવામાં આવી શાળાઓ. કેમ બંધ થઇ ? તે બાબતે તેઓએ શિક્ષણને વેપાર બનાવવાનો ભાજપ પર આક્ષેપ કર્યો હતો.
ગુજરાતમાં માર્ગોની હાલત બિસ્માર બનવા પામી છે તેમજ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી ગયો હોવાનું પણ અર્જુનસિંહ રાઠવાએ આક્ષેપો કર્યા હતા. વધુમાં તેઓએ ભાજપ માટે રાજકારણ જમીનો હડપવાનું રાજકારણ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસને આડે હાથે લેતા તેઓએ કોંગ્રેસના ધારાસભ્યો વેચાયા હોવાનો કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં વિપક્ષ જેવું કંઈ જ નહિ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી લોકોને અધિકાર આપતી પાર્ટી હોવાનું જણાવ્યું હતું.
કોરોના કાળ દરમિયાન જે લોકોના મૃત્યુ થયા હતા તે આંકડા સરકાર છુપાવતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા. ભાજપની હાલત ખરાબ થઈ ગઈ હોવાનું તેઓએ જણાવ્યું હતુ. ભાજપે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલો કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. કરજણ તાલુકાના કાસમપૂર ગામના સરપંચ દીક્ષિત વસાવા, ઉપસરપંચ અશ્વિન રાઠોડિયા, માત્રોજ ગામના સરપંચ પ્રવીણ ભાઈ પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ અન્ય ગામોના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા એ કરજણ તાલુકા તેમજ ગુજરાતની રાજનીતિમાં ખુબ નિર્ણાયક બનશે એમ તેઓએ જણાવ્યું હતું. આયોજિત મિટિંગમાં વિરેન શર્મા, મયંક શર્મા, રાજુ વસાવા, મિનેશ પરમાર સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ