વડોદરા જિલ્લાના શિનોરના નર્મદા કિનારે આવેલા ગોલવાડ અને બુસાફળિયાના ઘાટ પાસે કોહવાયેલા માનવ મૃતદેહને ખાઇ રહેલા 3 મગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. નર્મદા નદીમાં તણાઇ આવેલા મૃતદેહને મગરો ખેંચીને કિનારે લઈ આવ્યા હતા અને મૃતદેહને ખાઇ રહ્યા હતા.
તે સમયે મોર્નિંગ વોકરે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. મૃતદેહને ખાતા 3 મગરના વાઇરલ થયેલા વીડિયોએ શિનોર તાલુકા પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. બીજી બાજુ પોલીસે પણ વાયરલ વીડિયોના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
સોમવારે વહેલી સવારે નદીમાં તણાઇને આવેલી લાશને ત્રણ મગર કિનારા નજીકના વિસ્તારોમાં ખેંચી લાવ્યા હતા. મોર્નિંગ વોક કરવા નીકળેલા નાગરીકોએ આ દ્રશ્ય જોતાં ચોકી ઉઠ્યાં હતા માનવ મૃતદેહને ખાવા માટે ત્રણ મગર વચ્ચે જામેલી હોડને મોર્નિંગ વોકરે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.ઉલ્લેખનીય છે કે, શિનોર પંથકમાંથી પસાર થતી નર્મદા નદીના કિનારા પાસે મગરો મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
નદી કિનારાના વિસ્તારમાં સવારે અને સાંજે ચાલવા જતા લોકોને મગર જોવા મળે છે. નદી કિનારે પાલતું પશુઓને અનેક વખત મગર ખેંચી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે, ગત સોમવારે સવારે 7 વાગ્યે એક તરતા માનવ મૃતદેહને ત્રણ જેટલા મગરો ગોલવાડ અને બુસાફળિયાના ઘાટના કિનારે ખેંચી લાવ્યા હતા અને તેને ખાવા માટે ત્રણ જેટલા મગર વચ્ચે હોડ જામી હતી.આ દ્રશ્ય સવારે ચાલવા નીકળેલા નાગરીકે પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધા હતા. દરમિયાન આ અંગેની જાણ નાગરીકે સ્થાનિક પોલીસને કરી હતી. તુરંત જ પોલીસનો કાફલે સ્થળે ધસી આવ્યો હતો અને મૃતદેહની શોધખોળ કરી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, મૃતદેહ 35 વર્ષના પુરૂષનો હતો. અને તે કોહવાઇ ગયેલી હાલતમાં હતો. પોલીસે વાઇરલ વીડિયોના આધારે મગરોનો ખોરાક બનેલ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ ક્યાંથી તણાઇ આવ્યો છે. તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, મગર સામાન્ય સંજોગોમાં તાજો શિકાર કરીને આખો શિકાર ખાતો નથી.
શિકારને અમુક સમય સુધી મુકી રાખ્યા બાદ તે સડી જાય પછી મગર માટે ખાવા યોગ્ય ખોરાક થાય છે. મગર એક વખતમાં કરેલો શિકાર આરોગી લીધા બાદ જો વધે તો પછી તેને યોગ્ય જગ્યાએ સંતાડી રાખે છે. અને ભૂખ લાગે ત્યારે તેને આરોગે છે.