વડોદરા શહેરના વાત્સલ્ય ફાઉન્ડેશનને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળી ચૂક્યુ છે. મહિલાઓ માટે સેનેટરી નેપ્કિન બનાવતા વાત્સલ્ય ફાઉન્ડેશનને ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ સેનેટરી નેપ્કિનના ઉત્પાદનના યુનિટ માટે આ સ્થાન મળ્યું છે. વર્ષ 2004-2008 ના ચાર વર્ષના સમયગાળામાં દેશ વિદેશમાં કુલ 108 લો-કોસ્ટ અને ઓર્ગેનિક યુનિટ સ્થાપવા માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ સ્થાન મળ્યું હતું.
વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા એક સેનેટરી નેપ્કિન રૂપિયા 2.50 ના ભાવે ઉત્પાદન કરાવવામાં આવે છે. વાત્સલ્ય ફાઉન્ડેશનના સહયોગથી અનોખી પ્રબીર પટેલ દ્વારા વડોદરા શહેર નજીક આજવા નિમેટા રોડ પર આવેલા બાકરોલ ગામ ખાતે રહેતી ગામની મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વાત્સલ્ય ફાઉન્ડેશનના સ્વાતિબેન બેડેકર અને અનોખી પ્રબીર પટેલ દ્વારા 250 મહિલાઓને બાયોડિગ્રેબલ સેનિટરી નેપ્કિન ત્રણ મહિના માટે આપવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત મહિલાઓને આ સેનિટરી નેપ્કિન્સ બનાવવા અંગે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું, આમ આ મહિલાઓ આત્મનિર્ભર અને જાગ્રત બને એવો પ્રયાસ કરાયો હતો. ગામની મહિલાઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વાત્સલ્ય ફાઉન્ડેશનના સ્વાતિબેન બેડેકર, યુવા સામાજિક કાર્યકર અનોખી પ્રબીર પટેલ સહિત હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઉડના ગુજરાત સ્ટેટ કમિશનર નેહા પટેલ, લાઇફ મેમ્બર કોકિલા પવાર સહિતના અગ્રણીઓ તેમજ વાત્સલ્ય ફાઉન્ડેશન તથા એચએસજીએના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
એક હજારથી વધુ મહિલાઓ વાત્સલ્ય ફાઉન્ડેશન થકી રોજગારી પ્રાપ્ત કરે છે અને 5 લાખ કરતા વધુ મહિલાઓ સેનેટરી નેપ્કિનનો લાભ મેળવે છે. સખી સેનેટરી નેપ્કિનના ભારત સિવાય ભુતાન, જોર્ડન અને ઝિમ્બાબ્વેમાં પણ સેનેટરી નેપ્કિન ઉત્પાદનના યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. દરેક યુનિટ પ્રતિદિન 1,000થી 1200 નેપ્કિન તૈયાર કરે છે. ઉપરાંત વાત્સલ્ય ફાઉન્ડેશનના કો ફાઉન્ડર સ્વાતિ બેડેકર દ્વારા હેલ્થ અને મેન્સ્ટ્રુઅલ હાઇજિન પર ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં જાગૃતતા ફેલાવવામાં આવે છે. ઉપરાંત મહિલાઓને તાલીમ અપાય છે.