ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 હેઠળ પહેલી ફરિયાદ વડોદરામાં નોંધાઈ છે. લોક ચર્ચામાં કહેવાતા લવ જેહાદનો કાયદો પસાર થયા બાદ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. લઘુમતી સમાજની યુવતીને યુવક ભગાડી જતા પોલીસ ફરિયાદ કરી છે. જેમાં યુવતી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યાો છે.
કાયદા પ્રમાણે IPC 366, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ જ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત સરકાર પણ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરકારની જેમ રાજ્યમાં લવ-જેહાદનો કાયદો લાગું કરવામાં આવ્યો છે. વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવ્યો હતો. અને ગુજરાતમાં લવ-જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવવા બીલ રજૂ કરાયું હતું.
લોકચર્ચામાં કહેવાતા લવ-જેહાદનો કાયદો ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં દાખલ કરવામાં આવ્યો અને ભારે બહૂમતિ સાથે પસાર પણ થઈ ગયો. આમ તો આ સમગ્ર સુધારો લવ-જેહાદની પ્રવૃત્તિ રોકવા માટે છે. ઉત્તરપ્રદેશની પેટર્ન મુજબ, લવ-જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને એની જોગવાઈ મુજબ આરોપી વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ 5 વર્ષની સજા તેમજ 2 લાખથી વધુ દંડ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યો હશે તો, 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી વધુ દંડ કરવામાં આવશે.