વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવાયાર્ડ ડી કેબીન પાસેના ફૂલવાડી મહોલ્લામાં યુવાનના લગ્ન હતા. લગ્ન નિમિત્તે પરિવારજનો દ્વારા ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 9 વાગ્યા પછી લોકડાઉનની શરૂઆત થતી હોવા છતાં, લગ્ન નિમિત્તે ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે યોજાયેલી આ ડી.જે. મ્યુઝિક પાર્ટીમાં પરિવારજનો તેમજ વરરાજા સહિત તેના મિત્રો મન મૂકીને ઝૂમ્યા હતા. એ તો ઠીક યુવાનો દ્વારા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. મોટાભાગના યુવાનો માસ્ક પહેર્યા વગર નાચતા હતા અને સંક્રમણ ફેલાય તે રીતે ટોળામાં ડી.જે. મ્યુઝિકના તાલે ઝૂમ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફતેગંજ પોલીસ વિવાદોમાં રહેતુ આવતું હોય છે. અગાઉ કસ્ટોડિયલ ડેથના કારણે વિવાદમાં રહ્યું હતું. તે બાદ અનેક કારણોસર વિવાદમાં આવ્યું છે. જેમાં મોડી રાત્રે નવાયાર્ડ ફૂલવાડી મહોલ્લામાં લગ્ન નિમિત્તે યોજાયેલી ડી.જે. પાર્ટીને લઇ વિવાદમાં આવ્યું છે. નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે યોજાયેલી લગ્નની ડી.જે. પાર્ટીએ ચકચાર જગાવી મૂકી છે.
સરકાર દ્વારા કોરોનાની મહામારીના સંક્રમણને અટકાવવા માટે જાહેર કાર્યક્રમો તેમજ શુભ પ્રસંગો ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. તેમ છતાં, કેટલાક લોકો સરકારના જાહેરનામાની અવગણના કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. વડોદરા શહેરના નવાયાર્ડમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્નની ડીજે પાર્ટી યોજાઇ હતી. જેમાં યુવાનો કોવિડ-19 ની ગાઇડલાઇનના નિયમોને નેવે મૂકીને ડી.જે.ના તાલે નાચ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થતાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે 5 યુવાનોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પોલીસ કમિશનરે આ બનાવ અંગે ટ્વિટ કર્યું છે કે, ‘અબ ઇનકી પાર્ટી લોકઅપ મેં’.