આજરોજ સવારે વડોદરા યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ કાબૂમાં આવે તે પહેલાં જ ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાખ થઇ ગયા હતા. ટ્રેનમાં કોઇ મુસાફરો ન હોવાથી અને યાર્ડમાં બંધ હાલતમાં ઉભેલી હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. જોકે, મેમુ ટ્રેનમાં લાગેલી આગને કારણે રેલ વ્યવહાર ઉપર સામાન્ય અસર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ વડોદરા રેલવે યાર્ડ નંબર- 6-7 ઉપર ઉભેલી મેમુ ટ્રેનમાં વહેલી સવારે 5:45 કલાકે રહસ્યમય રીતે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ગુડસં ટ્રેનના પાઇલટને થતાં તુરંત જ તેઓએ રેલવે કંટ્રોલ રૂમને જણાવ્યુ હતું. જેને પગલે જાણ કરતાની સાથે જ તંત્ર દ્વારા રેલવે લાઇન ઉપરનો વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા વડીવાડી ફાયર બ્રિગેડના લશ્કરો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે સાથે ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પણ દોડી ગયા હતા અને જરૂરીયાત મુજબ ફાયર બુઝાવવા માટે બંબાઓ મંગાવી આગને કાબૂમાં લીધી હતી.
એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવ્યા બાદ વીજ પ્રવાહ પુનઃ ચાલુ કરી દેવામાં આવતા ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો. મેમુ ટ્રેનમાં આગ લાગતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
વડોદરામાં રેલ્વે યાર્ડમાં ઊભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ : 3 ડબ્બા બળીને ખાખ..!
Advertisement