વડોદરામાં ગુજરાત રિફાઇનરીના કર્મચારી સાથે પાર્ટ ટાઈમ જોબના નામે થયેલી ઓનલાઈન ઠગાઈના કેસમાં પોલીસે બેંક એકાઉન્ટ તેમજ સીમકાર્ડ પુરા પાડનાર બ્યુટી પાર્લરની સંચાલિકા સહિત વધુ ત્રણ જણાને ઝડપી પાડ્યા છે.
રિફાઇનરીના કર્મચારી શાલીન જાહેર ને ઓનલાઇન ટાસ્ક ના નામે ફસાવી ડિપોઝિટના નામે રૂ 8.20 લાખ પડાવી લેતા વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે અગાઉ પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા.પોલીસે ઠગ ટોળકી દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ તેમજ સીમકાર્ડ ની ડીટેલ મેળવી વધુ ત્રણ જણા ને ઝડપી પાડ્યા છે.
પકડાયેલાઓમાં (૧) મોબાઈલ શોપ ના સંચાલક સંદીપસિંહ અર્જિત સિંહ દેસાઈ (અલખનંદા બ્રિજ પાસે ગોતા અમદાવાદ) દ્વારા ઉમિયા કૃપા એન્ટરપ્રાઇઝ મહાકાલી એન્ટરપ્રાઇઝ અને ચામુંડા સેલ્સ જેવી ફોર્મના નામે આ ટોળકીને 200 જેટલા સીમકાર્ડ આપવામાં આવ્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.
જ્યારે (૨) રાજેન્દ્રસિંહ રંગુસિંહ ઝાલા (ભાખરીયા, પ્રાંતિજ, સાબરકાંઠા) ધોરણ-6 સુધી અભ્યાસ કર્યો છે અને તેણે આર આર એન્ટરપ્રાઇઝ નામની ફોર્મ ખોલી ટોળકીને બેન્ક એકાઉન્ટ આપ્યું હતું. આ ઉપરાંત (૩) બ્યુટી પાર્લર ચલાવતી મીના રંગુસિંહ ઝાલા (આરાધ્યા હોમ્સ ચાંદખેડા, અમદાવાદ) ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે અને તેણે પણ બેન્ક એકાઉન્ટ પૂરું પાડ્યું હતું. જે બદલ તેને દોઢ લાખનું કમિશન મળ્યું હતું.