કરજણ તાલુકાનાં વલણ ગામમાં ઇદગાહ પાસે ગતરાત્રીના કોરોના રસીકરણ બાબતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં પુનઃ કોરોના મહામારીએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જે બાબતે લોકોમાં ફેલાયેલો ભય દુર થાય તેમજ લોકો રસીકરણનો લાભ લઇ કોરોના મહમારીથી સુરક્ષિત રહે એ હેતુથી રસીકરણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ તલાટી ઇમ્તિયાઝ ચૌહાણે હાજર જનોને કોરોના મહામારી બાબતે સુરક્ષિત રહેવા તેમજ રસીકરણ બાબતે લોકોમાં જે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. એ બાબતે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી.
ત્યારબાદ કરજણ તાલુકા વિકાસ અધિકારીએ પણ કોરોના રસીકરણ બાબતે લોકોને જાગૃત બની કોરોના રસી લેવા ખાસ અપીલ કરી હતી. ત્યારબાદ વલણ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મુબારક પટેલે કોરોના મહામારીમાં વલણ ગામના યુવાનોએ કોરોના ગ્રસ્ત દર્દીઓને જે સેવાઓ પ્રદાન કરી એને બિરદાવી હતી. તેઓએ પણ રસીકરણ બાબતે રસપ્રદ માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ વડોદરાના સામજિક કાર્યકર જુબેરભાઈ ગોપાલાનીએ પણ કોરોના સામે સુરક્ષિત રહેવા માટે રસીકરણ પર ખાસ ભાર મુકી રસી લેવા માટે હાજર જનોને અપીલ કરી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. મહંમદ હુસેન સાહેબે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે કોરોના રસીથી કોઈ આડઅસર થતી નથી. વધુમાં વધુ વેક્સિનનો લાભ લેવા તેઓએ ખાસ અપીલ કરી હતી. ૪૫ વર્ષથી ઉપરના લોકોને ખાસ વેક્સિન લેવા તેઓએ અપીલ કરી હતી. વલણ હોસ્પિટલ ખાતે પણ વેક્સિનેશન માટે મંજુરી મળી ગઈ છે તો ત્યાં પણ જઈ વેક્સિન લેવા અપીલ કરી હતી. કોરોના રસીકરણ કાર્યક્રમમાં વલણ ગામના સરપંચ રમણ વસાવા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વલણ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ તેમજ રાષ્ટ્ર ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
યાકુબ પટેલ : કરજણ
વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં કોરોના રસીકરણ બાબતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
Advertisement