વડોદરા એસએસજી હોસ્પિટલના પિડિયાટ્રિક વોર્ડમાં સોમવારે સાંજે એક બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થતા બાળકીના પરિવાજનોએ સારવારમાં બેદરકારીનો આક્ષેપ કરીને હોબાળો મચાવી દીધો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરતા પોલીસ દોડી આવી હતી. બાળકીના પરિવાજનોએ આ મામલે પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહેતા સફાઇ કર્મચારીની બે વર્ષની પુત્રીને ચાલવામાં તકલીફ થતી હતી. પગની નસમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ સાથે એસએસજી હોસ્પિટલના પિડિયાટ્રિક વોર્ડ નં.૧૭માં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આજે સાંજે બાળકીને એમઆરઆઇ માટે લઇ જવામાં આવી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકીને એમઆરઆઇ વખતે એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો અને તેના વધુ પડતા ડોઝના કારણે બાળકી ફરીથી ભાનમાં જ આવી નહી અને પછી ડોક્ટરોએ કહી દીધુ કે બાળકીનું મૃત્યુ થઇ ચુક્યુ છે.આ ઘટનાને પગલે પરિવાજનો વિફર્યા હતા અને વોર્ડના સ્ટાફ નર્સ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો જોકે આ સમયે સિક્ટોરિટી સ્ટાફ દોડી આવતા નર્સ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો જે બાદ વોર્ડમાં લગાવેલા પાર્ટિશનના કાચ પરિવાજનોએ તોડયા હતા અને ભારે હોબાળો મચાવી દેતા વોર્ડ નં.૧૭માં દાખલ ૧૧ બાળક દર્દીઓનો તુરંત અન્ય વોર્ડમાં સિફ્ટ કરવામાં આવ્યા હતા. રાવપુરા પોલીસનું કહેવું છે કે પરિવારજનોના આક્ષેપની તપાસ કરવામાં આવશે અને જો ડોક્ટરો કે હોસ્પિટલની બેદરકારી હશે તો ગુનો દાખલ કરવામાં આવશે. જો એસએસજી હોસ્પિટલ તરફથી તોડફોડ અને હુમલાની ફરિયાદ આપવામાં આવશે તો પરિવારજનો સામે પણ ગુનો દાખલ કરાશે. બે વર્ષની બાળકીના મૃત્યુ અંગે વાત કરતા પિડિયાટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.વૈશાલી ચાનપુરાનું કહેવું છે કે બાળકી ગુલિન બારી સિન્ડ્રોમ (જીબીએસ)થી પિડાતી હતી. તેનું એમઆરઆઇ વખતે સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે આ ઘટનામાં ડોક્ટરોની કોઇ બેદરકારી નથી.