વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ નાકા પરથી પસાર થતા કરજણ તાલુકાના સ્થાનિકો વાહન ચાલકોને વાહન વેરા મુક્તિ આપવાની માંગ સાથે કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ ટોલ નાકાના મેનેજરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ સહિત કાર્યકરોએ ટોલ નાકા પાસે એકત્ર થઇ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ કરજણ ટોલ નાકાના મેનેજરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર એલ એન્ડ ટી કંપની અને ભારત સરકાર વચ્ચે કરાર થયો હતો. કરારમાં ટોલટેક્ષ વિશે જોગવાઈઓ કરી હોવાના ઉલ્લેખ કર્યો હતો.
જે ભારત સરકારના ગેજેટ મુજબ ટોલ નાકાનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે. વધુમાં જણાવ્યુ હતુ કે જે તે સમયે નક્કી કરેલા દરોનો અમલ હાલમાં પણ ચાલુ હોવાના આક્ષેપ કર્યા હતા. કરાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી ટોલ નાકાના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કર્યા હતા. જો કરજણ તાલુકાની જનતાને ટોલ ટેક્ષમાંથી માફી આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આયોજિત કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેષ પરમાર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કરજણ પોલીસ દ્વારા ટોલ નાકા પાસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ