વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા આજે નિઝામપુરા અને છાણી વિસ્તારમાં આવેલા પાંચ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની સુવિધા નહીં રાખવા અંગે તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યું હતું અને વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં ફાયર સેફટીની સુવિધા અંગે હાઇકોર્ટના હુકમ આધારે વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગે દવાખાના, ટ્યુશન ક્લાસીસ, રહેણાક અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ, દુકાનો વિગેરેને નોટિસ આપી ફાયર સેફ્ટીના સાધનો લગાવવા સૂચના આપી હતી તેમ છતાં કેટલાક કોમ્પ્લેક્સના સંચાલકો દ્વારા ફાયર સેફટીના સાધનો લગાવવામાં વિલંબ કરતા ફાયર બ્રિગેડનું તંત્ર એક્શનમાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સુચના પ્રમાણે અલગ અલગ ટીમોએ નિઝામપુરા અને છાણી વિસ્તારમાં ફાયર સેફ્ટીની સુવિધા નહીં લગાડનાર કોમ્પ્લેક્સમાં સીલ મારવા અને વીજ કનેક્શન કાપી નાંખવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં વડોદરા શહેરના ચાર કોમ્પ્લેક્સમાં રહેનારા અને વ્યાપાર કરનારા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.