વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા પાંચ દિવસ પહેલા સારવાર માટે કલાલી વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે રાતે તેનું મોત નિપજ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને લેથ મશીનનું જોબ વર્કનું કામ મકરપુરા જી.આઇ.ડી.સી.માં કરે છે. તેમને જોડિયા દીકરો અને દીકરી છે. જેની ઉંમર હાલ પાંચ વર્ષની છે. તેમના દીકરાને તાવ આવતા સારવાર માટે કલાલી વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડેન્ગ્યૂ અને ફેફસાના ઇન્ફેક્શનની સારવાર ચાલતી હતી. દરમિયાન ગઇકાલે પાંચ વર્ષના બાળકને વધુ પડતો તાવ અને ખેંચ આવતા તબિયત વધારે લથડી હતી. બાળકની હાલત ગંભીર થતા સારવાર માટે કાશીબા હોસ્પિટલમાં રિફર કરવામાં આવતો હતો. પરંતુ, હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું.
બાળકને ડેન્ગ્યૂ અને ફેફસાનું ઇન્ફેક્શન હોવાથી તેનું મોત કયા કારણસર થયું ? તે જાણવા માટે સયાજી હોસ્પિટલમાં પી.એમ. કરાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ડેન્ગ્યૂના ટેસ્ટ માટે કુલ ૫,૮૪૧ સેમ્પલ કોર્પોરેશનની ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા. તે પૈકી ૧૪૮ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.