વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી ભરૂચના સામલોદ ગામના ગુમ થયેલ યુવકની ત્રણ ટુકડા કરેલી હાલતમાં લાશ મળી આવતાં કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાના ત્રણ હત્યારાઓને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના સામલોદ ગામે રહેતાં અને પાલેજ જીઈબીમાં એપ્રેન્ટિસ તરીકેની નોકરી કરતાં યુવક રાહુલ વસાવા ઉ.વ.24 નાઓ ગત તા. 30 ના રોજ મોટરસાઇકલ લઈને ઘરેથી નોકરી જવાનું કહીને નીકળ્યો હોવાનું કહેવાય છે.
નોકરી ગયા બાદ રાહુલ ઘરે પરત નહિ આવતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તે મળી નહી આવતાં પરિવાર દ્વારા ગુમ થયેલ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ થોડા દિવસ અગાઉ કરજણ ને.હા.48 પરના હલદરવા ગામ પાસેથી તેનું બાઈક મળી આવ્યું હતું. ત્યારબાદ ગત રોજ રાહુલની ત્રણ ટુકડા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઇ હતી. જે દરમિયાન મોતને ભેટેલ રાહુલના ત્રણ હત્યારાઓ અરવિંદભાઈ કાલિદાસ વસાવા, શૈલેષભાઈ હરિભાઈ વસાવા અને નીતેશભાઈ રમણભાઈ વસાવા તમામ રહે. ચાવજ તા. ભરૂચનાઓની પોલીસે અટકાયત કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
યાકુબ પટેલ, કરજણ