વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે કડીવાલા યંગ સર્કલ દ્રારા મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ગાદીપતિ- સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અને અનુગામી ડૉ.મતાઉદ્દીન ચિશ્તી સાહેબના અધ્યક્ષ સ્થાને જશ્ને ગરીબ નવાઝ તથા ગોષ પાકની ઉજવણીમાં ઝિક્ર, દર્સ તેમજ સમાના ભવ્ય કાર્યક્રમનું આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું હતું. તેઓના આગમન સમયે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારંભની શરૂઆત તિલાવતથી કરી, નાતશરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબના આધ્યાત્મિક શબ્દોથી વાતાવરણ આધ્યાત્મિક સ્વરૂપ લઈ ચૂક્યું હતું, આ અનુસંધાને તેમણે આજના સમયમાં આઘ્યાત્મિકતાનું મહત્વ સમજાવી રુહાની માર્ગ પર ચાલી જીવન જીવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો, મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથેની નિસ્બત એ કડીવાલા-ઘાંચી સમાજનું ઘરેણું છે, સત્ય અને અસત્ય બંને વિકલ્પોને અનુસરતા લોકો જગતમાં હોય છે, પરંતુ અગત્યની વાત એ છે કે, આપણે કોઇપણ નિર્ણય કરતા પહેલા સમજી વિચારીને સત્યનો વિકલ્પ પસંદ કરીએ. પીરો મુર્શીદની સેવા અને પરંપરા ઉપર વિશેષ ચર્ચા સહિત સારા કાર્યો સાથે સારો સંગ પણ અગત્યતા ધરાવે છે તેમ ઉમેર્યું હતું, આ ઉપરાંત પાણીનો ગુણ દુર્ગંધ તેમજ ગંદકી દૂર કરવાનો છે, પરંતું માછલી હમેશા પાણીમાં રહેવા છતાં માછલીની દુર્ગંધ દૂર થતી નથી જેમા પાણી નહીં પરંતું માછલીની પ્રકૃતિ જવાબદાર છે, વ્યવહારમાં સૌએ આજ સમજવા જેવું છે. માણસ માપ ભૂલે એ પાપનું પહેલું પગથિયું છે, માર્ગદર્શક માણસને માપમાં રહેતા શિખવાડે છે, અંતરને આસ્થાથી અલંકારીત કરતા શિખવાડતી શૈલી એટલે જ સૂફીવાદ કે રુહાનિયત.
અતિથિ તરીકે ગાંધીનગરથી પધારેલા મુસ્તુફાભાઈ ખેડુવાળાએ પોતાના આ ગાદી સાથેના સંબંધોની સુવાસને ચોતરફ પ્રસરાવી આ ગાદીની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી ગાદીના બુઝુર્ગોના ફરમાન પર અમલ કરવા જણાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન સિરહાનભાઈ કડીવાલાએ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી (ખાનવાદા-એ-ચિશ્તીયા-ફરીદીયા- સાબિરીયા) સાથેના સમાજના ૪૫૦વર્ષના સંબંધોની ગાથાનું વર્ણન કરી, આ ગાદી સાથે સમાજના સંબંધો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે ઈમ્તિયાઝભાઈ કડીવાલાએ ગાદીના સિદ્ધાંતોને મજબુત રીતે અનુસરી આગળ ધપવાનો અનુરોધ કર્યો હતો. ગુજરાતના મશહૂર કવ્વાલ આરીફભાઈએ પારંપરિક ઢબે મહેફિલ-એ-સમામાં અમીર ખુસરો સાહેબ સહિત વિવિધ સૂફી કલામોથી રંગત ભરી હતી.
આ કાર્યક્રમમાં કડીવાલા સમાજ યંગ સર્કલ ડભોઇએ ભારે જહેમત ઉઠાવી હતી, જેથી બાવા સાહેબ દ્રારા તેઆની તથા કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી બિરદાવી સેવાકાર્ય નિરંતર ચાલુ રાખવા જણાવાયું હતું.
કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઇએ આભારવિધિ કરી યંગ સર્કલ સહિત તમામનો આભાર માન્યો હતો, આ સમયે ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો પણ હાજર હતા. ઇમરાન ભાઇ કડીવાલા ચોરંદા તેમજ ઈમરાનભાઇ ડભોઇએ સુંદર મંચ સંચાલન કર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ