વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામથી મોટીકોરલ ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરના પગલે માર્ગનું ધોવાણ થયું હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. નારેશ્વર – પાલેજના મુખ્ય માર્ગ પર આવેલ ઓઝ ગામથી મોટીકોરલ તરફ જવા માટે આ માર્ગ વાહનચાલકો માટે મુખ્ય માર્ગ છે.
માર્ગ ખખડધજ હાલતમાં થઇ જતા વાહનચાલકો માટે માર્ગ શિરોવેદના સમાન બનવા પામ્યો છે. ઓઝથી મોટીકોરલ માર્ગ પર મસ મોટા ખાડાઓને લઇ આવતા જતા તમામ ગામના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ રૂટના ગામડાઓના વાહન ચાલકો, નોકરિયાતો, ખેડૂતો બિસ્માર માર્ગના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ, કરજણ