વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઑરો હાઇટ્સ 2 માં રહેતા રાજેશ રણછોડભાઈ પટેલ બિલ ગામથી પોતાના ઘરે ચાલતા ચાલતા આવતા હતા ત્યારે ફોર્ચ્યુનર કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
કહેવાય છે કે કારમાં સવાર ત્રણ વ્યક્તિ જેમાં એક મહિલા બે પુરુષ દારૂની મહેફિલ કરતા હતા. ઘટના બનતા ટોળા એકઠા થયા હતા જેમણે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો જ્યારે એક મહિલા અને અન્ય એક યુવક ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટોળાએ જેને ઝડપી પાડ્યો તે કેયુર પટેલ હાલમાં ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો દીકરો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેની માંજલપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહિ કારમાંથી દારૂની બોટલ પણ મળી હોવાનું જાણવા મળે છે.
જિલ્લા પંચાયત પ્રમુખની પ્લેટ લગાવી ફરતી કાર અને તેમાં થતા કારનામા એ સમગ્ર વડોદરા જ નહીં ભરૂચ જિલ્લામાં પણ ચકચાર મચાવી હતી, ત્યારે હવે જોવું રહ્યું કે સમગ્ર મામલે ભાજપ સંગઠન શું આ બાબતે કોઈ સ્પષ્ટતા આપે છે કે કેમ તે તો આગામી સમય જ બતાડશે.
વડોદરામાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખની નેમ પ્લેટ લગાવી ફરતી કારે દંપતીને અડફેટે લીધા, એકનું મોત, કારમાંથી મળી દારૂની બોટલ અને બિરયાની
Advertisement