વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસેથી વહેલી સવારે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન દબાણ શાખા અને સ્થાનિક પશુપાલકો સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને દબાણ શાખા પાસેથી પકડેલા રખડતા ઢોર છોડાવીને લઈ જતા મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો.
વડોદરા શહેરમાં એક બાજુ દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે તો બીજી બાજુ ચાર જૂનમાં ચાર અલગ અલગ ટીમો બનાવી રખડતા ઢોરો પકડવાની પણ ઝુંબેશ ચાલી રહી છે. તે દરમિયાન દબાણ શાખાની ટીમ સાથે અવારનવાર ઘર્ષણના દ્રશ્યો સર્જાતા રહેતા હોય છે આ સામે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ઘર્ષણ કરનારા સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરતી રહે છે.
આજે સવારે અકોટા મામલતદાર કચેરી પાસેના મુખ્ય રસ્તા પર રખડતા ઢોરો પકડવા ગયેલી કોર્પોરેશનની દબાણ શાખાની ટીમના કર્મચારીઓએ રખડતા ઢોર પકડવાની શરૂઆત કરતા વહેલી સવારે જ કેટલીક મહિલાઓ બહાર દોડી આવી હતી અને દબાણ શાખાની ટીમ સાથે રકજક કરી કામગીરી અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો સાથે સાથે એક ગાયને પણ છોડાવીને લઈ ગયા હતા. જે અંગે દબાણ શાખાની ટીમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગાયને છોડાવી જનાર મહિલા અને કેટલાક વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.