વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હોસ્ટેલ તેમજ યતીમ ખાનાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ થકી એક અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમનનો જે પાયો કલા શરીફ જેવા નાનકડા ગામમાં નાંખી એક સરાહનીય કાર્ય થકી સાંપ્રત યુવા પેઢીને સુશિક્ષિત બનાવવા માટે એક ઉમદા કાર્ય કર્યું છે. જે સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિના સોપાન સર કરી યુવા પેઢી માટે એક આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સૂફી સંત ફૈઝ એકેડમી સ્કૂલમાં દરેક સમાજના બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આ સ્કૂલ દર વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં સો ટકા પરિણામ પ્રાપ્ત કરી કરજણ તાલુકામાં શ્રેષ્ઠ સ્કૂલમાં સ્થાન પ્રાપ્ત કરી રહી છે.
કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનુસભાઈ અમદાવાદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના પીંછાની કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. બન્ને હજરતની દુઆઓથી સોનેરી સોપાન સર કર્યું છે. આ સાથેના અન્ય પ્રોજેક્ટ પણ આપને પૂર્ણ કરીશું. હજરત મુસ્તાક અલી બાવા સાહેબની દુઆઓથી જે સ્વપ્ન કઠિન લાગતું હતું તે પૂર્ણ થયું છે. ત્યારબાદ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વહિદ અલી બાવા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે જે ઇમારત નિહાળી રહ્યા છો તે હજુ વધુ સુંદર બનશે. દરેક સારા કાર્યની શરૂઆત ખુબ કઠિન હોય છે. શરૂઆતમાં જોલી ફેલાવવી પડે છે. ભીખ માંગવી પડે છે. ખૂબ કઠિન કાર્ય છે. આ ગાથા અહીથી શરૂ થાય છે. આજે જે કંઈ પણ છે આ એક ક્રાંતિકારી વિચાર એ મુસ્તાક અલી બાવા સાહેબની દેન છે. સમગ્ર વિસ્તાર ખુબ પછાત હતો. એવા વિસ્તારમાં એક શિક્ષણની શુભ શરૂઆત ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
આ યુગમાં સૌથી વધુ જો કોઈ વસ્તુની જરૂરત હોય તો શિક્ષણ છે. ૨૦૦૩ માં અમે શાળા શરૂ કરી હતી. ગામમાં આવેલા એક નાનકડા રૂમમાં શાળા શરૂ કરી હતી. ખૂબ દયનીય સ્થિતિ આ ગામની હતી. એક મકાનમાં અમે શાળા શરૂ કરી હતી. ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જ્યારે રેગિસ્તાનમાં પાણીની જરૂર હોય ત્યારે શું હાલત હોય એવી હાલત આ ગામની હતી. આજથી વીસ વર્ષ પહેલા વીજળી પણ અનિયમિત આવતી હતી. બાળકોને પ્રકાશ આપવા માટે શાળા શરૂ કરી હતી. અઢી વર્ષ સુધી મકાનમાં શાળા ચલાવી હતી. આજે મને હર્ષ છે કે એક ઇમારતનું નિર્માણ થયું છે. અંતમાં મુસ્તાક અલી બાવા સાહેબે દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક હજરત મુસ્તાક અલી બાવા સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વહીદ અલી બાવા સાહેબ, ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઇ અમદાવાદી, ફારૂકભાઈ કે. પી. હુસૈન સાલેહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બશીર પટેલ સહિત કાર્યકરોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ