વડોદરાના દંતેશ્વર ગામમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી વૃદ્ધની હત્યા કરવામાં આવી છે કે પછી તેમણે આત્મહત્યા કરી છે તે જાણવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દંતેશ્વર ગામે 80 વર્ષીય જસવંતસિંહ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા. તેમના બે પૈકી એક પુત્ર પૃથ્વીસિંહના જણાવ્યા મુજબ, મંગળવાર સવારે તેમના પિતાજી ચા-નાસ્તો કરીને ઘરેથી નીકળ્યા હતા. તેમના પિતાને શ્વાસની બીમારી હતી એ સિવાય અન્ય કોઈ સમસ્યા નહોતી. તેમનું મોત કેવી રીતે થયું તે અંગે અમને જાણ નથી. જોકે, ગામના એક વ્યક્તિએ તળાવમાં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ
આ મૃતદેહ એક વૃદ્ધ પુરુષનો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી છે. હાલ મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જસવંતસિંહના મોત પાછળની સાચી હકીકત હાલ જાણી શકાઈ નથી.