નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરના પગલે કરજણ તાલુકાના નદી કિનારે આવેલા ગામોમાં જે નુકસાન થયું હતું તે નુકસાનના વળતર માટે સહાય આપવાની માંગ સાથે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્ય મંત્રીને સંબોધી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાલુકા સેવા સદન સંકુલ કોંગી અગ્રણીઓના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગત તારીખ તા. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમમાંથી એક સાથે ૨૩ થી ૨૬ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે સરકારની અણઆવડતને લીધે થયેલ છે એવા આક્ષેપ કર્યા હતા.
કરજણ તાલુકાના પરા, લીલીપરા, નાની કોરલ, મીટી કોરલ, આલમપુરા, સગડોળ, નવી સાયર, જૂની સાયર, લીલોડ, રારોદ, ઓઝ, પુનિતપુરા, પાછીયપુરા, સોમજ દેલવાડા, ગામોમાં રહેતા ખેડૂતોનો તૈયાર પાક સદંતર નિષ્ફળ ગયો હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ ખેતરોમાં ધોવાણ થયું હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું હતું.સાથે સાથે પશુધનું પણ નાશ પામેલ હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ખેડૂતોની હાલત ખુબજ ગંભીર બની હોવાનું જણાવ્યું હતું. નર્મદાના કાંઠાના રહોશોના મકાનોમાં પણ પાણી ભરાઈ જતાં ઘર વખરીનો સામાન સદંતર નાશ પામ્યો હોવાનું જણાવ્યું હતું.
કેટલાક કુટુંબોને હાલમાં કોઈ ચીજ વસ્તુ નથી અને નર્મદા કાંઠાના વિસ્તારમાં આ ગરીબ મજૂરીયાત વર્ગને ૨ માસ સુધી મંજૂરી મળે તેમ ના હોય તેઓ માટે પણ તાત્કાલિક અસરથી જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવા ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી હોવાની માંગ કરી હતી. કેટલાક કુટુંબોને હાલમાં પણ કોઈ પણ ચીજ વસ્તુ ઘરમાં નથી અને સરકાર તરફથી ખેડૂતો માટે જે સહાય જાહેર કરવામાં આવેલ છે તે ખેડૂતોની ક્રુર મશ્કરી સમાન હોવાના આક્ષેપો કર્યા હતા. જેથી સરકાર દ્વારા પુરગ્રસ્તો તથા ખેડૂતો માટે સહાય માટે મોટું પેકેજ જાહેર કરી તાત્કાલિક સહાય મળે તે રીતે આયોજન કરવા માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન પ્રભારી માનસિંગ ડૉડીયા, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પીન્ટુ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અભિષેક ઉપાધ્યાય, કોંગી અગ્રણીઓ ભરત અમીન, ભાસ્કર ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ