વડોદરા પાસેથી પસાર થતી મહિસાગર નદીના ફાજલપુર બ્રિજ પરથી બે મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. આ બનાવની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાઓની શોધખોળ આદરી હતી. જો કે, એક મહિલાને 9 કિમી દૂર સ્થાનિક માછીમારોએ બચાવી લીધી હતી. જ્યારે અન્ય મહિલાની હાલ પણ શોધખોળ ચાલી રહી છે.
યુવકે મહિલાઓને જોઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરી
મીડિયા અહેવાલ અનુસાર, બુધવારે સવારે વડોદરા નજીક મહિસાગર નદી પરના ફાજલપુર બ્રિજ પરથી એક પછી એક બે મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. ત્યાંથી પસાર થતા એક યુવકે મહિલાઓને જોઈ જતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી મહિલાઓની શોધખોળ શરૂ કરી હતી. હાલ બે કાંઠે વહી રહેલી મહિ નદીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે ફાયર વિભાગના જવાનોએ મહિલાઓને શોધી કાઢવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
9 કિમી દૂર માછીમારોએ એક મહિલાને બચાવી
દરમિયાન 9 કિમી દૂર માછીમારો દ્વારા બે પૈકી એક મહિલાને બચાવી લેવામાં આવી હતી. જ્યારે અન્ય એક મહિલાનું હાલ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટનાને પગલે ગામનો લોકો ફાજલગામ બ્રિજ પર એકત્ર થઈ ગયા હતા. સાથે જ પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે ફાયરના જવાનોને મહિલાની શોધ કરવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે.