વડોદરા શહેરમાં એસઆરપી જવાને ફરજ દરમિયાન સર્વિસ રાયફલથી પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. SRP ગ્રૂપ 1માં ફરજ બજાવતા જવાન છેલ્લા કેટલાક વર્ષોથી બીમાર હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ નર્મદા જિલ્લાના ટીલાકવાળા તાલુકાના ફતેપુરા ગામના પ્રવીણભાઈ બારિયા છેલ્લા 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા હતા. પ્રવીણભાઈએ ફરજ દરમિયાન સર્વિસ રાયફલથી પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે પરિવારે જણાવ્યું કે, પ્રવીણભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર બીમારીથી પીડાતા હતા, જેના કારણે કંટાળીને તેમણે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. જો કે, હાલ પ્રવીણભાઈના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે.
માહિતી મુજબ, પ્રવીણભાઈ શહેરના લાલબાગ ખાતે આવેલ SRP કેમ્પસમાં ફરજ પર હતા. દરમિયાન તેમણે ખુદને ગોળી મારી આપઘાત કર્યો હતો. એસઆરપી જવાન પ્રવીણભાઈની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હાલ પણ અકબંધ છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પીએમ બાદ મૃતક પ્રવીણભાઈના અંતિમ સંસ્કાર તેમના વતન ફતેપુર ગામ ખાતે કરવામાં આવશે.