ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના દાંડિયા બજાર પિરામિતા રોડ વિસ્તારના પ્રગતિ યુવક મંડળ દ્વારા આ વર્ષે એક લાખથી વધુ અગરબત્તીથી શ્રીજીની 8 ફૂટની મનમોહક પ્રતિમા બનાવવામાં આવી છે. આ અગરબત્તી ગાયના છાણમાંથી બનાવવામાં આવી હોવાની માહિતી છે. શ્રીજીની આ મૂર્તિએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
પ્રગતિ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવને લઈ કંઇક અલગ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે મંડળના 20 જેટલા સભ્યોએ ભગવાન ગણેશજીની મૂર્તિ અનોખી રીતે ડેકોરેટ છે. આ મૂર્તિને ડેકોરેટ કરવા માટે ગાયના છાણમાંથી નિર્મિત અને ચોરસ આકારમાં બનાવેલી એક લાખથી વધુ અગરબત્તીઓ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની ઊંચાઈ 8 ફૂટ જેટલી છે. આ પ્રતિમાને બનાવવી માટે મંડળના સભ્યોએ છેલ્લા 45 દિવસથી રાત-દિવસ સખત મહેનત કરી છે. ભગવાન ગણપતિજીની પ્રતિમા પર ફેવિકોલથી અગરબત્તી ચોંટાડવામાં આવી છે.
મૂર્તિને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, પ્રગતિ યુવક મંડળ દ્વારા વર્ષોથી અલગ અલગ થીમ પર ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. ગત વર્ષની વાત કરીએ તો આ મંડળે મુંબઈના પ્રસિદ્ધ અને જાણીતા દગડુ શેઠ હલવાઈવાલા ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી. જોકે, આ વર્ષે ડેકોરેશન કરેલ મૂર્તિને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે.