રાજ્યની તમામ યુનિવર્સિટીઓ માટેના સૂચિત કોમન એકટનો વડોદરામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આજે એમ.એસ.યુનિવર્સિટીના કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને રાખડી બાંધીને કોમન એકટનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કે, કોમન એકટથી યુનિવર્સિટીની રક્ષા કરવા માટે અમે રાખડી બાંધી છે.
કોમન એકટના વિરોધમાં તાજેતરમાં કમાટીબાગ ખાતે પણ વડોદરાના કેટલાક પ્રબુધ્ધ નાગરિકોની એક બેઠક યોજાઈ હતી. એ પછી આજે વિવિધ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ કોમન એકટનો વિરોધ કરવા માટે સામે આવ્યા હતા. આ પૈકી બીબીએના પૂર્વ વિદ્યાર્થી જય વ્યાસે કહ્યુ હતુ કે, કોમન એકટના નામે રાજ્ય સરકાર યુનિવર્સિટી શિક્ષણનુ કેન્દ્રીકરણ કરી રહી છે. આ એકટના કારણે અધ્યાપકોના ભણાવવાથી માંડીને રિસર્ચ સુધીની તમામ બાબતો પર સરકારનુ નિયંત્રણ સ્થપાઈ જશે. અધ્યાપક બદલી થવાના ડરે રાજ્ય સરકારની નીતિ સામે બોલી પણ નહીં શકે. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી નહીં યોજાવાથી યુનિવર્સિટીઓમાં લોકતાંત્રિક પ્રક્રિયા ખતમ થઈ જશે. ડિસિપ્લિનના નામે વિદ્યાર્થીઓને મન ફાવે ત્યારે કાઢી મુકવાની સત્તા વાઈસ ચાન્સેલરને મળી જશે. વિદ્યાર્થીઓ ડરના કારણે જો અધ્યાપકો સારુ નહીં ભણાવતા હોય અથવા પરીક્ષામાં અન્યાય કરશે તો ફરિયાદ પણ નહીં કરી શકે. રાજ્યમાં એક માત્ર એમ.એસ.યુનિવર્સિટી એવી છે જે વિદ્યાર્થીઓ માટે ચૂંટણી યોજે છે. આ ચૂંટણીનુ આયોજન પણ નહીં થાય. આ એકટ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
અન્ય એક પૂર્વ વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, કોમન એકટથી યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવાઈ જવાની છે. રાજકીય હસ્તક્ષેપ વધી જવાનો છે. યુનિવર્સિટીનો શૈક્ષમિક માહોલ બગડી જવાનો છે. જેના કારણે અમે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે આ એકટનો વિરોધ કરીએ છે.