વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઉરદ ગામની સીમમાં એક ઐતિહાસિક વણઝારી વાવનું આજથી ૬૫૦ વર્ષ અગાઉ નિર્માણ થયું હતું. સાડા છ સદી વીતવા છતાં આજે પણ વણઝારી વાવ અડીખમ ઉભેલી છે. જ્યાં રવિવાર, રજાના દિવસોમાં તથા વાર તહેવારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લે છે. ઐતિહાસિક વણઝારી વાવ સાથે એક અનોખી દંતકથા જોડાયેલી છે. કહેવાય છે કે એક વણઝારા સમાજની જાન ઉરદ ગામની સીમમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે નવવધૂને પાણીની તરસ લાગતા નવવધૂએ પાણી માંગતા નવવધૂના સાસરિયાઓએ નવવધૂને ટોણો માર્યો હતો.
તારા પિતાએ અહી વાવ નથી ખોદાવી કે તને પાણી આપીએ નવવધૂ એ હઠ પકડી હતી કે જો મને પાણી નહિ આપવામાં આવે તો હું અહીંયા જ મારા પ્રાણ ત્યજી દઈશ અને નવવધૂએ પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. આજે પણ નવવધૂની સમાધિ વાવની સામે છે. ઉરદ ગામના પુર્વ સરપંચ પ્રશાંત પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ૬૫૦ વર્ષ પુરાણી વણઝારી વાવના રીનોવેશન માટે અમે સરકારમાં રજુઆત કરી હતી. સરકાર દ્વારા આ ઐતિહાસિક વણઝારી વાવનું રીનોવેશન કરવામાં આવે તો અહી એક પ્રવાસન સ્થળ તરીકે વાવનો વિકાસ થઇ શકે એમ છે અને સરકારની આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે એમ છે.