વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી કોઈ ન કોઈ કારણસર હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હવે આર્ટ્સ ફેકલ્ટીમાં ગત વર્ષે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓએ ફેકલ્ટીની બિલ્ડિંગ ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં કોઈ કારણોસર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહી ગયા હતા, આવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે. જ્યારે બીજી તરફ ફેકલ્ટી ડીનનું કહેવું છે કે, પોર્ટલ ત્રણ દિવસના બદલે પાંચ દિવસ ચાલુ હતુ અને 1300 વિદ્યાર્થીના એડમિશન થયા છે. બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે જેટલી સીટ ઉપલબ્ધ હશે તેટલી ભરાશે.
આ સમગ્ર મામલે યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થીઓએ પોતાની માગણીઓને લઈ હોબાળો મચાવ્યો હતો. 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ આપવા અંગે માગ કરાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા ડીમનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતા અવનીબા મંડોરાએ જણાવ્યું કે, સ્કૂલમાંથી માર્કશીટ ન મળે તો વિદ્યાર્થીઓ એડમિશન માટે ડોક્યુમેન્ટ કેવી સબમીટ કરી શકે? બીજા રાઉન્ડમાં ફ્રેશ અરજીઓ કરવામાં આવી છે તેમને જ ઇ-મેઇલ મળ્યા છે. પરંતુ, પ્રથમ રાઉન્ડમાં 90, 80 અને 70 ટકા ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં તેઓને પ્રવેશ અંગે કોઈ ઇ-મેઇલ મળ્યા નથી. પ્રવેશ પ્રક્રિયામાં ભૂલ થઈ હોવાથી વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવા જોઈએ નહીં.
બીજી તરફ આર્ટ્સ ફેકલ્ટીના ડીન આધ્યા સક્સેનાએ જણાવ્યું હતું કે, પોર્ટલમાં કોઈ ખામી નથી. ધો.12ની માર્કશીટ આવી જાય એટલા માટે એડમિશન મોડેથી કરવામાં આવ્યા છે. ત્રણ દિવસની જગ્યાએ પાંચ દિવસ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી તેઓના દસ્તાવેજ અપલોડ થયા છે અને તેમને મેસેજ પણ આવ્યા છે. 1300 જેટલા વિદ્યાર્થીનો પ્રવેશ અને ફી ભરાઈ ગઈ છે. જો કે, તેમ છતાં બેઠક વ્યવસ્થા વધારવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.