વડોદરાના માંજલપુરમાં વિદેશ જવાની છેલછા લોકોને ભારે પડી છે. કેનેડા અને આયર્લેન્ડ જવા માટે વર્ક પરમિટ અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદના આધારે એક કન્સલ્ટન્સીના 3 ડાયરેક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ. 20 કરોડની ઠગાઈ કરી હોવાનો આરોપ છે.
મળતી માહિતી મુજબ, માંજલપુરમાં આવેલી લક્ષ કન્સલ્ટેન્સીના 3 ડાયરેક્ટરોએ સુરત, વાપી, વ્યારા, સૌરાષ્ટ્ર સહિત અન્ય શહેરોમાં રહેતા લગભગ 1500 થી વધુ લોકોને કેનેડા અને આયર્લેન્ડ જવા માટે વર્ક પરમિટ અપાવવાનું કહીને રૂ. 20 કરોડથી વધુની રકમ પડાવી છેતરપિંડી આચરી હતી. આ મામલે તેમની સામે 92થી વધુ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. એક ફરિયાદી મુજબ, કંપની દ્વારા તેમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને કેનેડા અને આયર્લેન્ડમાં વર્ક પરમિટ અપાવવાનું કહ્યું હતું. ત્યારે તેમની પાસેથી પ્રોસેસિંગ ફી પેઠે 2 લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા.
જોકે, પૈસા આપ્યાના 2 વર્ષ સુધી પણ કોઈ પ્રોસેસ ન થતા ફરિયાદીએ પોતાના પૈસા પરત માગ્યા હતા અને એપ્લિકેશન કેન્સલ કરાવી હતી. પરંતુ, કંપની દ્વારા માત્ર 75 હજાર રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા પરત ન આપી ફરિયાદીને ધામ ધમકી આપતા હતા. આ મામલે અન્ય ફરિયાદોમાં પણ લોકો પાસેથી વર્ક પરમિટના નામે 1થી 2 લાખ પડાવી છેતરપિંડી આચરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તમામ ફરિયાદોના આધારે માંજલપુર પોલીસે કંપનીના 3 ડાયરેક્ટર કુણાલ નિકમ, આશિષ ગવલી અને વિકાસ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.