વડોદરામાં ગંભીર અકસ્માતના બનાવો સતત સામે આવે છે. ત્યારે વાહનો પર સ્ટંટ કરતા અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ, તેમ છતાં કેટલાક નાગરિકો આ અંગેની ગંભીરતાને સમજતા નથી. શહેરમાં બાળકો દ્વારા સ્કૂટર ચલાવવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
આ વાયરલ વીડિયોમાં એક વીડિયો અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસેનો છે, જેમાં એક બાળકી સ્કૂટર ચલાવી રહી છે જ્યારે તેના વાલી પાછળ બેઠા છે. દરમિયાન વાલી સ્ટેરિંગ બાળકીના હાથમાં આપી પોતે ફોન પર વાત કરતા નજરે પડે છે. જો કે, સર્કલ આવતા વાલી સ્કૂટરનું સ્ટેરિંગ પોતાના હાથમાં લઈ લે છે. આનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે.
બીજી અન્ય ઘટના વીઆઇપી રોડ પરની છે, જેમાં એક વાલી પાછળ બેઠા છે અને થોડીવાર માટે બાળકને સ્કૂટરનું સ્ટિયરિંગ આપી દે છે. જાગૃત નાગરિકે આનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ બંને ઘટનામાં પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ સુરતના એક બ્રિજ પર મોપેડસવાર પિતાએ નાની બાળકીને પોતાની પાછળ ઊભી રાખી મોપેડ હંકારી હતી, જેનો વીડિયો અન્ય રાહદારીએ બનાવી વાઇરલ કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરી પિતા પાસે માફી મગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.