વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ પાસપોર્ટ ઓફિસના સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીને લઈને હડતાળ ઉપર છે. તેમ છતાં પણ અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હોવાથી આજે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા. જે લોકોના કામ નહીં થતાં ભારે હોબાળો મચી ગયો હતો.
અરજદારોનું કહેવું છે કે અમને હડતાળ વિશે જાણકારી નથી અમને એસએમએસ દ્વારા અમારી એપોઇન્ટમેન્ટની જાણકારી મળી હોવાથી આજે અમે પાસપોર્ટ ઓફિસ ઉપર આવ્યા હતા. આશ્ચર્ય એ વાતનું છે કે પાસપોર્ટ વિભાગમાં ત્રણ પાર્ટમાં કામ થાય છે. જેમાં પાર્ટ એ માં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે છે આ વિભાગ આઉટ સોર્સ કરવામાં આવ્યો હોવાથી ખાનગી કંપની સંભાળી રહી છે. એટલે એ વિભાગમાં અરજદારોની કામગીરી પૂર્ણ થાય છે. પરંતુ જ્યારે ડોક્યુમેન્ટ લઈને અરજદાર બી અને સી વિભાગમાં પહોંચે છે તો સરકારી કર્મચારીઓ એવો જવાબ આપે છે કે અમે હડતાળ ઉપર છીએ હવે આવી સ્થિતિમાં અરજદારોએ શું કરવું એ સમજણ પડતી નથી અને પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા પણ કોઈ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું નથી. આ ઉપરાંત સિક્યુરિટી સ્ટાફ દ્વારા પણ અરજદારો સાથે શુદ્ધત વર્તન કરવામાં આવી રહ્યું છે. જો હડતાળ જ છે તો પછી અરજદારોને એપોઇન્ટમેન્ટ આપી અને હેરાન પરેશાન કરવા પાછળનું કારણ શું છે. આ બાબતે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ મામલે પાસપોર્ટ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવતા તેઓએ માત્ર હડતાળ છે એટલું જ કહ્યું હતું એ સિવાય કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો.