વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી પસાર થતી એક ટ્રકમાંથી સફેદ પાવડરની આડમાં દારૂનો જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. સ્ટેટ મોનિટરિંગની સેલે બાતમીના આધારે કાર્યવાહી કરી ટ્રકને ઝડપી રૂ. 38.60 લાખની કિંમતનો દારૂ અને કુલ રૂ. 51.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી એક ટ્રકમાં સફેદ પાવડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આથી સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે વડોદરા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી શંકાસ્પદ જણાતી એક ટ્રક પસાર થતા તેને રોકી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા સફેદ પાવડર ભરેલી બેગો વચ્ચે દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ-બિયરની કુલ 35,009 બોટલ જેની અંદાજે કિંમત રૂ. 38.60 લાખ જેટલી થાય છે જપ્ત કરી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે ડ્રાઇવર સહિત બે ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમની ઓળખ પ્રવીણ રઘુનાથ પાટીલ અને ઓમકાર હલદનકર તરીકે થઈ હતી. તેમણે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના અરૂણ મીથભાવકરે મોકલ્યો હતો અને ગાંધીધામના એક શખ્સને પહોંચતો કરવાનો હતો. આ મામલે પોલીસે અરુણ અને ગાંધીધામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ આદરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રક, દારૂનો જથ્થો, સફેદ પાવડર અને મોબાઇલ મળી કુલ રૂ. 51.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.