વડોદરા પાસે આવેલ સાંકરદા ઔદ્યોગિત વસાહતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી કેડસ કંપનીમાં નાઇટ્રીક એસિડ કેમિકલ ખાલી કરવા આવેલ એક ટેન્કર ખેતરમાં પલટી ખાઈ જતા અત્યંત જ્વલનશિલ મનાતી નાઇટ્રિક એસિડ ગેસ ગળતર થતા ગામના લોકોએ આંખોના બળતરા થવાની અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની ફરિયાદો કરી હતી. મોડી રાતે બનેલી આ ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટના મામલે સંબંધિત વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
મીડિયા અહેવાલ મુજબ, સાંકરદા ગામ નજીક આવેલ ઔદ્યોગિક વસાહતમાં કેડસ કંપનીમાં એક ટેન્કર કેમિકલ ખાલી કરવા માટે આવી રહ્યું હતું. દરમિયાન કંપનીની નજીકના એક ખેતરમાં ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આથી ટેન્કરમાં ભરેલી નાઇટ્રિક એસિડ ગેસનું હવામાં ગળતર થતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ગ્રામજનોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદ કરી હતી.
મોડી રાતે આ દુર્ઘટના અંગે કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે ખેતર માલિક સવારે ખેતરમાં પહોંચ્યા તો ત્યાં પલટી મારેલી ટેન્કર જોઈ હતી અને તેમાંથી નાઇટ્રીક એસિડ ગેસ નીકળતા જોઈ તેઓ પણ ગભરાઈ ગયા હતા. આ અંગે તેમણે સંબંધિત વિભાગને જાણ કરી હતી. ગેસ હવામાં ભળી જતા સ્થાનિક ગ્રામજનોએ શ્વાસ લેવામાં તેમ જ આંખમાં બળતરા થવાની ફરિયાદો કરી હતી.