વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પરીન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી SOG એ 68 હજારથી વધુની કિંમતનું શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડ્યું છે અને એક આરોપીની ધરપકડ કરી છે.
વડોદરા SOG ને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના બાવરી કુંભારવાડાના ગુજરાત વુડ કમ્પાઉન્ડમાં આવેલ પરીન એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને હાલ કેમિકલનું વેચાણ ચાલુ છે. જેના આધારે વડોદરા શહેર SOG એ રેડ પાડી હતી. આ દરમિયાન ગોડાઉનમાં ભુરા રંગના 4 મોટા બેરલ મળી આવ્યા હતા. આ બેરલોની ચકાસણી કરતા તેમાં ઇથાઇલ એસીટેટ હોવાનું જણાઇ આવ્યું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગી જાય તેવુ અને મીઠી વાસવાળો હતો. બીજા એક બેરલની ચકાસણી કરતા તેમાં ટોલ્યુઇન હોવાનું જણાયું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગી જાય તેવુ અને અલગ જ પ્રકારની વાસ ધરાવતુ હતું. વેપારીની પૂછપરછ કરતા તેની પાસે આ કેમિકલ વેચવા માટેના ખરીદ-વેચાણના બીલ કે, પુરાવા મળી આવ્યા નહોતા. જેથી પોલીસે ગોડાઉન માલિક કૃષ્ણકાંત પદમકાંત પરીખ (રહે.મકાન નં-6, ઠક્કરબાપા સોસાયટી, આયુર્વેદિક કોલેજ પાસે, પાણીગેટ, વડોદરા)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી અગાઉ ભરૂચ, અંકેશ્વર અને રાજકોટમાં કેમિકલના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલમાં ઇથાઇલ એસીસેટ- 840 કિલો, કિં. 50,400 રૂપિયા, ટોલ્યુઇન કેમિકલ- 180 કિલો, કિં.13,500 રૂપિયા, મોબાઇલ ફોન-1, કિં. 5000 રૂપિયા મળી કુલ 68,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.