વિદ્યાના ધામમાં દારુબંધીના કાયદાના સતત ધજાગરા ઉડતા રહ્યા છે. એમએસ યુનિવર્સિટીમાં જ્યાં હોસ્ટેલમાં દારુ પાર્ટી થતી હોવાની વિગતો સામે આવી છે. મનુભાઈ મહેતા હોલની એક રુમમાં દારુ ભરેલા ગ્લાસ જોવા મળ્યા હતા.
ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જેઓ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા તેઓ આ મામલો પ્રકાશમાં આવતા ત્યાંથી નાશી છૂટ્યા હતા. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા દારુના આ મામલાની નિંદા કરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.
સમગ્ર ઘટના મામલે કમિટી રચાશે અને આ મામલે યુનિવર્સિટી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાંખી નહીં લે તેમ સત્તાધીશોએ મીડિયા સમક્ષ કહ્યું હતું. ભૂતકાળમાં આ પ્રકારે ઘટનાઓ બની હતી ત્યારે પણ તપાસ કરાઈ હતી. ત્યારે વીડિયોમાં દેખાનાર વિદ્યાર્થીઓને બોલાવીને તેમની સામે પગલા લેવામાં આવશે તેમ બાંહેધરી પણ આપવામાં આવી છે.
શિક્ષણના ધામમાં સતત આ પ્રકારે અવાર નવાર દારુ મામલે કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં પણ આ પ્રકારે દારૂની બોટલ હોસ્ટેલના રુમમાંથી ઝડપાઈ હતી અને આ રુમને સીલ કરાયો હતો તેમજ આ સાથે કાર્યવાહી તેજ કરવામાં આવી હતી.
એટલું જ નહીં આ સિવાય અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ પાસે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ ઝડપાયા હતા. આમ વિદ્યાના ધામમાં નશાકીય પ્રવૃત્તિઓ છેલ્લા કેટલાક દિવસથી સતત સામે આવી છે.