વડોદરા શહેરના વીઆઈપી રોડ ખાતે આવેલ જલારામ નગરમાં ઘર આંગણે રમતી ચાર વર્ષની બાળકી ઉપર ડોર ટુ ડોર કચરાની ગાડી ફરી વળતાં ગંભીર રીતે ઘવાયેલ બાળકીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા ફરિયાદના આધારે પોલીસે ટેમ્પો નંબરના આધારે ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ યુપીના રહેવાસી અને હાલમાં વીઆઈપી રોડ જલારામ નગર ખાતે રહેતા બ્રિજેશ કુમાર કુશવાહ શાકભાજીની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ચાર વર્ષની બાળકી નૈન્સી 5 ઓગસ્ટના રોજ ઘર આંગણે રમી રહી હતી. તે સમયે ડોર ટુ ડોરની ગાડી તેની ઉપર ફરી વળી હતી. અને ટેમ્પો ચાલક અકસ્માત સર્જી સ્થળ પર ટેમ્પો મૂકી નાસી છૂટ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ બાળકીને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવા જણાવ્યું હતું. જેથી બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગતરોજ બપોરે બાળકીએ આખરે દમ તોડી દીધો હતો. બનાવ સંદર્ભે ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ટેમ્પોચાલક વિરુદ્ધ અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.