વડોદરા શહેરના સોમા તળાવ પાસે પાણીની લાઈનનું સમારકામ કરતાં સમયે કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીને કારણે ગેસની મુખ્ય લાઈન તોડી નાખતા ગેસ પુરવઠો ઠપ થઈ ગયો હતો જે અંગે વડોદરા ગેસ કંપનીને જાણ થતા સ્થળ પર પહોંચી જઈ ગેસ લાઇનનું સમારકામ હાથ ધર્યું છે. કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી અંગે તેઓ સામે દંડનીય કાર્યવાહી થશે તેમ જાણવા મળે છે.
આજે સવારે વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રોડ સોમા તળાવ પાસે પાણીની લાઈનનું સમારકામ કરતાં સમયે નજીકમાંથી પસાર થતી વડોદરા ગેસ કંપનીની મુખ્ય ગેસ લાઇન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી તૂટી ગઈ હતી જેથી ગેસ લીકેજ શરૂ થયો હતો જેની જાણ તાત્કાલિક વડોદરા ગેસ કંપનીને કરવામાં આવતા સ્થળ પર પહોંચી જઈ ગેસ પુરવઠો બંધ કરી ગેસ લાઇનનું સમારકામ શરૂ કર્યું હતું.
વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઇનના સમારકામને કારણે વડોદરા શહેરના આજવા રોડ વાઘોડિયા રોડ વિસ્તારના 3,500 થી વધુ ગેસના ગ્રાહકોને આજે સવારથી ગેસ પુરવઠો મળતો બંધ થતા બપોરની રસોઈની કામગીરી પર સીધી અસર પહોંચી હતી ગેસ લાઇનનું સમારકામ થયા બાદ પુરવઠો પૂર્વવત શરૂ થતા ગેસના ગ્રાહકોને રાહત થઈ હતી.
દરમિયાનમાં વડોદરા ગેસ કંપની દ્વારા વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી બદલ તેઓ સામે દંડનીય કાર્યવાહી થશે તેમ જાણવા મળે છે.