વડોદરામાં શાસ્ત્રી બ્રિજ ઉપર બુધવારે મોડી રાત્રે વિચિત્ર અકસ્માત થયો હતો. હરણીથી અટલાદરા જતા ડમ્પર ચાલકને ઓવરટેક કરવા જતી કાર ડિવાઇડરને અથડાઇ હતી. કારને બચાવવા જતાં ડમ્પરનું ટાયર ડિવાઇડરમાં અડીને ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો. જેના અવાજથી ગભરાયેલી એકટિવા સવાર યુવતીઓ ડિવાઈડરમાં ભટકાતાં ગંભીર ઘાયલ થઇ હતી. બંનેને SSG લઇ જવાઇ હતી. જેમાં એક યુવતીનું મોત થયુ હતું. આ અકસ્માતમાં કાર ચાલકનો બચાવ થયો હતો. બનાવને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ફતેગંજ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી મિતેશભાઇ રાઠવા પાસેથી મળતી માહિતી અનુસાર આજે રાત્રે ૮ વાગ્યે અકસ્માતનો કોલ મળ્યો હતો અને ઘટના સ્થળે જઇને તપાસ કરતા જાણવા મળ્યુ કે એક ડમ્પર ફતેગંજ તરફથી ગેંડા સર્કલ તરફ જઇ રહ્યું હતુ. આ ડમ્પર શાસ્ત્રી બ્રિજ ઉપર ચઢી રહ્યું હતું ત્યારે જ એક કારે ઓવરટેક કરતા ડમ્પરે કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઇડર સાથે અથડાયુ હતું.
આ સમયે જ ડમ્પરનું વ્હિલ ડિવાઇડર સાથે ઘસાતા ટાયર ફાટયુ હતું અને ધડાકા સાથે અવાજ થયો હતો. આ સમયે જ ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી બે સહેલીઓ ખુશ્બુ કોઠારી અને હેતા જોષી (બન્નેની ઉમર ૨૧ વર્ષ) બ્રિજની બીજી તરફ એટલે કે ગેંડા સર્કલથી ફતેગંજ તરફ એક્ટિવા પર આવી રહી હતી. શક્યતાઓ એવી છે કે વ્હિલ ફાટવાના અવાજથી એક્ટિવા ચલાવી રહેલી ખુશ્બુ કોઠારી ગભરાઇ ગઇ હોય અને બેલેન્સ ગુમાવ્યુ હોય જેના કારણે એક્ટિવા પુલની દિવાલ સાથે અથડાતા બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી જેમાં હેતા જોષી (લક્ષ્મીનારાયણ સોસાયટી, વારસીયા રિંગરોડ) ને માથામાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને તુરંત એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયુ હતું જ્યારે ખુશ્બુને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.