વડોદરા શહેરની ફડચામાં રહેલી અન્યોન્ય બેન્કમાંથી પેઢીના નામે રૂપિયા 32.24 લાખની લોન લઇ 19 વર્ષથી ફરાર થઇ ગયેલા કૌંભાડીની ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ બેન્કે પેઢીને મારેલું સીલ તોડી પેઢીમાંથી સામાન પણ વેચી દીધો હતો.
મૂળ વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી મનોરથ સોસાયટીના વતની અને હાલ રાધે રાધે ફ્લેટ, કુબેરનગર, અમદાવાદના રહેવાસી ઉમેશ કિશોરભાઇ સતવાણીએ 19 વર્ષ પહેલાં વડોદરાની એક વખતની જાણીતી અન્યોન્ય કો. ઓપ. બેન્કમાંથી બાલાસુર નામની પેઢીના નામે રૂપિયા 32,24,851 ની લોન લીધી હતી. બાલાસુર પેઢીના નામે લીધેલી લોન પેઢીના ભાગીદાર ઉમેશ સતવાણીએ સમયમર્યાદામાં ભરપાઇ કરી ન હતી. આથી, બેન્કે તેઓની પેઢીને સીલ મારી દીધું હતું. આ દરમિયાન બેન્કની જાણ બહાર ઉમેશ સતવાણીએ પેઢીનું સીલ તોડીને પેઢીમાંથી સીડી-કેસેટો સામાન વેચી દીધો હતો અને વડોદરા છોડી ફરાર થઇ ગયો હતો. 19 વર્ષથી ફરાર ઉમેશ સતવાણીની ક્રાઇમ બ્રાન્ચ ફર્લો સ્ક્વોડ દ્વારા તપાસ ચાલી રહી હતી પરંતુ, ઉમેશ સતવાણી હાથ લાગતો ન હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ફર્લો સ્ક્વોડના PSI કે.જે. વસાવાએ સ્ટાફના ઉદેસિંહ, અમુલભાઇ, હિતેષકુમાર, બિપીનભાઇ, રોહિતભાઇ, સતીષભાઇ, જગદીશભાઇ, કનૈયાલાલ અને બળદેવસિંહની મદદ લઇ નાસતા-ફરતા આરોપીઓની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ફર્લો સ્ક્વોર્ડને હ્યુમન ટેક્નિકલ સોર્સના આધારે માહિતી મળી હતી કે, આરોપી ઉમેશ સતવાણી ગાંધીનગર ઇન્ફોસીટીમાં નોકરી કરે છે. આથી, PSI કે.જે. પટેલ અને તેમની ટીમે ગાંધીનગર જઇ વોચ ગોઠવી હતી. જેમાં તપાસ ટીમને ખાતરી થયા બાદ 19 વર્ષથી ફરાર આરોપી ઉમેશ કિશોરભાઇ સતવાણીની ધરપકડ કરી હતી. આરોપીને વડોદરા ખાતે લાવ્યા બાદ તેઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.