વડોદરાના અકોટા વિસ્તારમાં એક સાથે 12 જેટલી દુકાન-ઓફિસના તાળા તૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મોડી રાતે તસ્કરોએ એક પછી એક એમ કુલ 12 દુકાન-ઓફિસના તાળા તોડી ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થયા હતા. તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. આ મામલે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે. આ વારદાત પછી વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, શહેરના અકોટા વિસ્તારમાં આવેલા વૃંદ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મધ રાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. કોમ્પ્લેક્સની લગભગ જેટલી 12 દુકાન અને ઓફિસના તાળા એક સાથે તોડી તસ્કરો સામાન અને રોકડની ચોરી કરી ફરાર થયા હતા. જો કે, આ તસ્કર ટોળકી કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વહેલી સવારે જ્યારે દુકાન અને ઓફિસ માલિકો કોમ્પ્લેક્સ પહોંચ્યા તો ચોંકી ઊઠ્યા હતા. તેમણે ચોરીની ઘટના અંગે ગોત્રી પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી.
ગોત્રી પોલીસે કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં તસ્કરોની ટોળકી દુકાન અને ઓફિસમાં પ્રવેશતા નજરે પડી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે એક સાથે 12 દુકાન અને ઓફિસના તાળા તૂટી જતા વિસ્તારમાં અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. માહિતી મુજબ, આ ચોરીની ઘટનામાં તસ્કરોનો લાખોની મતા ચોરી ગયા હતા.